ગુજરાત
News of Sunday, 15th May 2022

હાર્દિક પટેલ સામે કોંગ્રેસ કરશે કાર્યવાહી : જગદીશ ઠાકોરે આપ્યા સંકેત પ્રદેશ પ્રમુખે કહ્યું સંવાદને બદલે મીડિયામાં બોલીને પક્ષને કરે છે નુકશાન : સમય આવ્યે કરશું કાર્યવાહી

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી વારંવાર પોતે કોંગ્રેસથી નારાજ હોવાનું કહ્યા કરે છે. આ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રથમવાર હાર્દિક સામે ખુલીને બોલ્યા હતા. તેમણે કહ્યું કે હાર્દિકને સંવાદ નથી કરવો પણ મીડિયામાં બોલીને પક્ષને નુકસાન કરવુ છે, સમય આવ્યે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જગદીશ ઠાકોરે કહ્યું કે હાર્દિકને ચર્ચા કરવા માટે ઘણી વાર કહ્યુ છે પણ તેણે ક્યારેય ચર્ચા કરવાની તૈયારી બાતવી નથી. તે મીડિયા સમક્ષ જઇે બોલે છે પણ મારી સાથે ચર્ચા નથી કરતો. હાર્દિકને પક્ષના વરિષ્ટ નેતાઓ સાથે સંવાદ નથી કરવો પણ મીડિયામાં બોલીને પક્ષને નુકસાન કરવુ છે. સમય આવ્યે હાર્દિક સામે પણ કાર્યવાહી થશે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિક પટેલ અંગે નિવેદન આપ્યુ છે. રઘુ શર્માએ મીડિયા સમક્ષ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે હાર્દિક પટેલે પક્ષની શિસ્તતામાં રહીને કામ કરવુ જોઇએ. પક્ષના નિયમ બધા માટે સરખા છે. તો નરેશ પટેલ અંગે વાત કરતા રઘુ શર્માએ જણાવ્યુ કે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે ટુંક સમયમાં નિર્ણય લેવાશે.

દરમિયાન આજે નરેશ પટેલ સાથે રાજકોટમાં થયેલી બેઠક બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વધુ એક વખત પોતે પાર્ટીથી નારાજ હોવાનું નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું કે અમે 2015, 2017માં પાર્ટીને ઘણું બધુ આપ્યું છે. કોંગ્રેસ પાર્ટી પાસેથી કાંઈ માગ્યું નથી. અમે કોંગ્રેસ પાસે પદ નહીં પરંતુ કામ માગી રહ્યાં છીએ.

(11:30 pm IST)