ગુજરાત
News of Wednesday, 15th June 2022

સરકાર પાસે વિવિધ માંગોને લઈ પાટીદાર આગેવાનોની બંધ બારણે બેઠક મળી : બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે થઈ ચર્ચા

પાટીદારોની ખાસ મીટીંગમાં નરેશ પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા : અનામત આંદોલનનાં સમાધાનની ફોર્મ્‍યુલા અંગે પણ થઈ ચર્ચા

અમદાવાદઃ આજે ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓના અગ્રણીઓની મહત્‍વપુર્ણ મિટીંગ મળી છે. જેમાં પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્‍ટીઓએ બંધબારણ ઉપસ્‍થિત રહ્‍યા હતા. પરંતુ ખોડલાધામના પ્રમુખ નરેશ પટેલ આ બેઠકમા ઉપસ્‍થિત રહ્‍યા ન હતા. જ્‍યારે આ બેઠકમાં સરકાર સામે અનેક માંગોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સમાજનાં વિવિધ મુદ્‌ાઓની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આજે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક મળી છે. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓએ બંધબારણે બેઠક કરી છે. સરકાર સામે અનેક માંગોને લઈને પાટીદાર સમાજના વડાઓની મળેલી આ બેઠક ખાસ ગણવામાં આવી રહી છે. જેમાં સમાજના પણ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ. તેથી આ બેઠક ખાસ ગણવામાં આવી રહી છે. જેમાં પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે તેમજ બિનઅનામત આયોગ અને નિગમમાં પડતર પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા કરાઈ.

પાટીદાર સંસ્થાઓની બેઠકના મહત્વપૂર્ણ મુદ્દાઓ પાટીદાર સંસ્થાઓની બેઠકના મહત્વપૂર્ણ મુદ્દાઓ

    રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જાેગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ

    રાજ્ય સરકારની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ

    શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની

    રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જાેઈએ

    સરકારના સમરસતા છાત્રાલયોમાં પ૦% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જાેઈએ અથવા બિન અનામત વર્ગ માટે સંપૂર્ણ સગવડો સહિતની નવી સમરસતા છાત્રાલયો દરેક શહેરોમાં બનવી જાેઈએ

    હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડીક્લ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં પણ મળવો જાેઈએ

    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારશ્રીના અન્ય બોર્ડ/નિગમની જાેગવાઈઓ મુજબ હોવા જોઈએ

    વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જાેઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-૧ર કે સ્નાતક

    બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ

    ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા ૧૦ લાખની હોવી જાેઈએ

    સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ

    સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જાેઈએ

    સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જાેઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં

    સરકાર દ્વારા જે કોઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં રાખવા રજૂઆત છે

    કોચિંગ કલાસીસ માટે આપવામાં આવતી સહાયની રકમ જી.એસ.ટી. સિવાય ઓછામાં ઓછી ૩૦ હજાર હોવી જાેઈએ અને તે પ્રાયવેટ કલાસીસ માટે પણ લાગુ પડવી જાેઈએ

    સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિગેરે માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવા જોઈએ

    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જાેઈએ

    સરકાર દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોમાં બિન અનામત વર્ગ માટે અનામતની જાેગવાઈ રાખવામાં આવેલ નથી, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માં અનામતની જે જાેગવાઈ છે તે મુજબ હોવી જાેઈએ

    બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ધોરણ-૯ થી ૧ર સુધી ભોજન બીલની સહાય ચૂકવવામાં આવે છે તે વધારીને સ્નાતક તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સુધી કરવી જાેઈએ

    કેન્દ્રીય લેવલે બિન અનામત આર્થિક વિકાસની રચના કરવા અસરકારક રજૂઆત કરવામાં આવે

    બિન અનામત નિગમ દ્વારા મૂકાયેલ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન લઈ શકે તે માટે અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ આખા વર્ષ દરમિયાન ઓપન રાખવું જાેઈએ

    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા લાભ ઉપરાંત બિન અનામત નિગમની શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાઓનો લાભ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળવો જાેઈએ

    બિન અનામત આયોગનું વહીવટી માળખું તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોવું જાેઈએ

    બિન અનામત આયોગને અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાએ થતી મેનેજરની નિમણૂંક બિન અનામત વર્ગના અધિકારીઓમાંથી જ થવી જોઈએ

    બિન અનામત આયોગ અને નિગમ શિક્ષણ વિભાગ હસ્તક હોવું જોઈએ, કે જેથી આયોગ અને નિગમની જે તે યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે.

આ ઉપરાંત અનામત આંદોલનના સમાધાનની ફોરમ્યુલા મુજબ નીચેના મુદ્દાઓ ત્વરિત નિર્ણયો થાય તેવી સરકાર પાસે માંગણી કરવામા આવશે. જે વિશે પણ પાટીદાર બેઠકમાં ચર્ચા થઈ.

    આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલ પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા અમારી રજૂઆત છે

    આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની માંગણી બાબતેનો પ્રશ્ન હજુ સુધી પડતર છે તેનો ઉકેલ સત્વરે લાવવા રજૂઆત છે

    પાટીદાર સમાજની અનામતની માંગણીના અનુસંધાને પાટીદાર સમાજનો સરવે કરાવવાની દિશામાં ઘટતું કરવા અમારી નમ્ર રજૂઆત છે.

નરેશ પટેલની ગેરહાજરી

આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહેવાના હતા. પરંતુ તેઓ બેઠકમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જ્યાં પાટીદારની વિવિધ સંસ્થાઓના પ્રમુખ મળતા હોય ત્યારે નરેશ પટેલની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી.

કોણ કોણ બેઠકમાં હાજર

    આર.પી.પટેલ, પ્રમુખ વિશ્વઉમિયાધામ

    વાલજીભાઈ શેટા, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત

    જેરામભાઈ વાંસજાળિયા,પ્રમુખ, ઉમિયાધામ સિદસર

    રવજીભાઈ વસાણી, ચેરમેન, અન્નપુર્ણધામ, ગાંધીનગર

    હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ

    પ્રહલાદભાઈ પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

    વાડીભાઈ પટેલ, પ્રમુખ, ધરતી વિકાસ મંડળ

    જયંતીભાઈ લાકડાવાલા, ઉપપ્રમુખ, કચ્છ કડવા પાટીદાર

    મનિષભાઈ કાપડિયા, ટ્રસ્ટી, સમસ્ત પાટીદાર સમાજ, સુરત

    ગોવિંદભાઈ વરમોરા, ઉપપ્રમુખ, ઉમિયાધામ સિદસર

    અબજીભાઈ કાનાણી, પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ

    પ્રકાશભાઈ વરમોરા, પ્રમુખ, સુરેન્દ્રનગર સમસ્ત પાટીદાર સમાજ

    દિપક પટેલ, ઉપપ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

    ડી.એન.ગોલ, ઉપપ્રમુખ, વિશ્વઉમિયાધામ

    કૌશિકભાઈ રાબડિયા, સગંઠન પ્રમુખ, ઉમિયાધામ સિદસર

    રસિકભાઈ પટેલ, પ્રમુખ, 11 ગામ કડવા પાટીદાર સમાજ

    સાકળચંદભાઈ પટેલ, પ્રમુખ, 41 ગામ કડવા પાટીદાર સમાજ

    જે.એમ.પટેલ, નિવૃત DySP, GCSA ફાઉન્ડેશન, સુરત

    ડૉ.વિનોદ પટેલ, ટ્રસ્ટી, વિશ્વઉમિયાધામ

બેઠક પહેલા આરપી પટેલે કહ્યુ કે, આ બેઠક સમાજના પ્રશ્નો માટે છે. સરકારમાં સમાજના પ્રશ્નોની રજુઆત કેવી રીતે કરવી તેની રૂપરેખા નક્કી થશે. ગત વર્ષે ખોડલધામમાં મળેલી બેઠક બાદ જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યુ તેના પર ચર્ચા અને રજુઆતો થશે. તેમજ પીએસઆઇ ભરતીની વિસંગતા મુદ્દે ચર્ચા થશે. પ્રિલિમ પરીક્ષામાં બેસવા જ ન દેવાય તો વિસંગતા અંગે ચર્ચા કરી સરકારને રજુઆત કરાશે. સમાજની દિકરીઓ મરજી મુજબ લગ્ન કરે છે તેમાં માત અથવા પિતાની સહી જરૂરી હોવા અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત આંદોલન દરમ્યાન થયેલા કેસ પરત ખેંચવા અંગે પ્રમુખો વાત કરશે. આગામી સમયે જરૂર પડે તમામ બિન અનામત જ્ઞાતિઓની સંસ્થાઓને એકત્રિત કરાશે. જોકે, આજની બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા નહિ થાય તેવી આરપી પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી.

(5:19 pm IST)