ગુજરાત
News of Monday, 15th August 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ટેલે શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કર્યું : લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે

ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા 75 કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ

અરવલ્લી જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ વર્ષનું આ આઝાદી પર્વ ઉજવાઇ રહ્યું છે. આ સ્વતંત્રતા પર્વ વિકાસનું પર્વ, વનબંધુ કલ્યાણનું પર્વ બને તે માટે મુખ્યમંત્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ એન્ડ સાઉન્ડ ‘શૉ’શરૂ કરાશે. ભિલોડા અને મેઘરજ તાલુકામાં સિંચાઇ સુવિધા માટે મેશ્વો ડેમ માંથી લીફટ ઇરીગેશન દ્વારા પાણી પુરૂં પાડવા 75  કરોડ રૂપિયાની યોજનાને મંજુરી અપાઇ છે. આ લિફટ ઇરીગેશન યોજનાથી ભિલોડા, મેઘરજ બે તાલુકાના 31  તળાવો ભરવામાં આવશે. જિલ્લાના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયાનું ખાસ અનુદાન આપવાની પણ મુખ્યમંત્રીએ  જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ  સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં આઝાદી જંગ ખેલાયો અને આપણને સ્વતંત્રતા મળી છે. ભારત માતાને બ્રિટીશરોની ગુલામીમાંથી મુકત કરાવવાની ઝંખના દેશવાસીઓમાં એ વખતે એટલી પ્રબળ હતી કે, ફનાગીરી અને સરફરોશીની તમન્નાથી અનેક નવયુવાનો ભારત ભક્તિ ના મંત્ર સાથે નીકળી પડયા હતા. આજે પણ રાષ્ટ્રભક્તિનો એ માહોલ આપણને પ્રતિત થાય છે.

સ્વાતંત્ર્ય મેળવવામાં અરવલ્લી જિલ્લાના યોગદાનનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ  જણાવ્યું હતું કે, આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ભાઇ, મોહનલાલ ગાંધી, સુરજીભાઇ સોલંકી, પુરૂષોત્તમદાસ શાહ જેવા રાષ્ટ્રભક્તોએ સ્વદેશી અપનાવી આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. આ જિલ્લાના આવા રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન કરૂં છું. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને મુખ્યમંત્રીએ  બિરદાવ્યું હતું.

 

 

(10:43 pm IST)