ગુજરાત
News of Wednesday, 15th September 2021

અન્‍ય સરકારી કર્મચારીઓની જેમ કોરોના સંક્રમિત શિક્ષકોને પણ ઓન-ડયુટી ગણવાનો નિર્ણય

શિક્ષકો પણ કોરોના સંક્રમિત થશે તો તેમને અન્‍ય સરકારી કર્મચારીઓ જેવા રજાના લાભ મળશે : અન્‍ય કર્મચારીઓની જેમ શિક્ષકોને પણ ૧૦ દિવસની મેડિકલ રજા મંજૂર કરાશે

અમદાવાદ તા. ૧૫ : કોરોના મહામારીમાં સંક્રમિત તથા સરકારી કર્મચારીઓને ઓન-ડ્‍યુટી ગણવાનો નિર્ણય હવે શિક્ષકોને પણ લાગુ પડશે. એટલે કે શિક્ષકોની પણ ૧૦ દિવસની મેડિકલ રજા મંજૂર કરવામાં આવશે. મહત્‍વનું છે કે રાજયના શિક્ષકો કોરોનાની ડ્‍યુટી વખતે સંક્રમિત થયા હતા. આ મુદ્દે પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ સંક્રમિત થયેલા શિક્ષકોને ઓન-ડ્‍યુટી ગણવા અંગેની દરખાસ્‍ત કરવામાં આવી હતી. જે બાદ તેમની ૧૦ દિવસની રજા મંજૂર કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ નિર્ણય બાદ પ્રાથમિક શિક્ષક નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરિપત્ર લખીને યોગ્‍ય નિર્ણય કરવા સૂચના આપી છે.
મહત્‍વનું છે કે, કોરોનાની મહામારી રાજયમાં ફેલાવાનું શરૂ થતા શિક્ષકોને મહત્‍વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી, આ જવાબદારીના કારણે ઘણાં શિક્ષકો કોરોના સંક્રમિત થયા હતા જયારે કેટલાક શિક્ષકોનું કોરોના સંક્રમિત થતા મોત પણ થયું હતું. આવામાં શિક્ષકોએ પોતાને પણ કોરોના ડ્‍યુટી દરમિયાન સંક્રમિત થતા ઓન-ડ્‍યુટી ગણવા માટે રજૂઆતો કરી હતી.
આ પછી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકાર સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવી હતી. જે બાદ શિક્ષકોને પણ કોરોના સંક્રમિત થાય તો ઓન-ડ્‍યુટી ગણવાનો મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો અને આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે. આ સાથે જ કોરોના સંક્રિમત શિક્ષકો સાથે યોગ્‍ય નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જો શિક્ષક ફરજ દરમિયાન સંક્રમિત થાય અને પોતે પોઝેટિવ હોવાનું અધિકૃત મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો આવા કિસ્‍સામાં ૧૦ દિવસની મેડિકલ રજા મંજૂર કરવાની રહેશે. આ ૧૦ દિવસની રજા તેમના ખાતે જમા મેડિકલ રજાના હિસાબમાંથી ઉઘરાવવાની રહેશે. આવા કિસ્‍સામાં જો કોઈ કર્મચારીની ૧૦ દિવસની મેડિકલ રજા જમા ના હોય તેમને પણ ૧૦ દિવસ સુધીની ખુટતી રજાઓ મળવાપાત્ર થશે. આ જોગવાઈ કેલેન્‍ડર વર્ષ ૨૦૨૦ અને કેલેન્‍ડર વર્ષ ૨૦૨૧ માટે લાગુ પડશે.
નાણા વિભાગ દ્વારા રજૂ કરાયેલા અન્‍ય કર્મચારીઓના રજા અંગેના ઠરાવ હવે શિક્ષકોને પણ લાગુ પડશે. જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરિપત્ર કરીને નાણા વિભાગના ઠરાવની સૂચનાઓ પ્રમાણે જિલ્લા અને નગર શિક્ષક સમિતિ હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કોરોના વાયરસથી સંક્રમિત શિક્ષકોના કિસ્‍સામાં ખાસ પરિસ્‍થિતિમાં નિર્ણય કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

 

(10:12 am IST)