ગુજરાત
News of Wednesday, 15th September 2021

ઉકાઈ ડેમનું જળસ્તર 340.28 ફૂટે પહોંચ્યું :10 ગેટ ખોલી તાપી નદીમાં 98,624 ક્યુસેક છોડાતું પાણી

ડેમના 9 ગેટ ચાર ફૂટ, એક ગેટ ત્રણ ફૂટ ખોલાયો :તાપી નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા

સુરત :તાપી જિલ્લાના ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. ઉકાઇ ડેમના 10 ગેટ ખોલી તાપી નદીમાં 98,624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમના 9 ગેટ ચાર ફૂટ, એક ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 28,681 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમની જળસપાટી 340.28 ફૂટે પહોંચી છે. જયારે ઉકાઇ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે.

તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પાણીના આવરાને પગલે ડેમના સત્તાધીશો દ્વારા હાઇડ્રો પાવર અને ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવાની તજવીજ હાથ ધરી છે, જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડેલ સતત વરસાદને પગલે ડેમની સપાટીમાં છેલ્લા દસ દિવસમાં 8 ફૂટનો વધારો નોંધાયો છે, હાલ ઉકાઈ ડેમની સપાટી 340.28 ફૂટ છે. જેની જાળવણી અર્થે ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી નવ દરવાજાઓ ખોલીને તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે પાણીની આવકને પગલે જિલ્લામાં ખુશીનો માહોલ છે.

(12:58 pm IST)