ગુજરાત
News of Wednesday, 15th September 2021

વડોદરાના માંડવી નજીક અજાણ્યો ગઠિયો બેંક કર્મચારીની ઓળખ આપી નિવૃત બેંક ક્લાર્કના બે લાખ રોકડા લઇ છૂમંતર......

વડોદરા:શહેરના માંડવી પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં અજાણ્યો ગઠિયો બેંક કર્મચારીની ઓળખ આપી નિવૃત બેંક ક્લાર્કના બે લાખ રોકડા કાઉન્ટર ઉપર જમા કરાવવાના બહાને રફુચક્કર થઈ જવાનો બનાવ સીટી પોલીસ મથકે નોંધાયો છે

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલા અર્થ આઇકોન માં રહેતા 63 વર્ષીય વૃદ્ધ ભાસ્કરરાઈ ધીરજલાલ સુથાર  બેંક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકેની ફરજ માંથી નિવૃત જીવન ગુજારી રહ્યા છે. 9મી સપ્ટેમ્બરના રોજ તેઓ માંડવી ખાતેની બેંક ઓફ બરોડાની શાખામાં પોતાના નાણાં એફડી કરાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં ચેક ભરતા સમયે અજાણ્યા હિન્દીભાષી ગઠીયાએ સ્ટાફમાં હોવાનું જણાવી ચેક ભરવામાં મદદ કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે ચેક વડે કાઉન્ટર ઉપરથી રોકડા બે લાખ ઉપાડ્યા હતા. મોટી માત્રામાં પોતાની પાસે રકમ હોવાથી ગભરામણ થતા એફડી કરાવવાના સ્થાને બેંકમાં પરત જમા કરાવવાનો વિચાર આવ્યો હતો. આ દરમિયાન પણ ગઠિયાએ રકમ લઇ મદદના બહાને કાઉન્ટર ઉપર પૈસા જમા કરવાનો ઢોંગ કરી પરત આવી નાણાં જમા કરાવ્યાની સ્લીપ બતાવી હતી.અને તે સ્લીપની ઝેરોક્ષ કાઢી પરત આવવાનું જણાવી પલાયન થઈ ગયો હતો. 

(5:10 pm IST)