ગુજરાત
News of Wednesday, 15th September 2021

સત્તા બચાવવા મંત્રીઓના હવાતિયાં, કોઈને ખાતરી નહીં

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિની તૈયારી : રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સિનિયર-જુનિયર મંત્રીઓએ પાટીલ અને રૂપાણી સાથે પણ મુલાકાત કરી

ગાંધીનગર, તા.૧૫ : સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવીધિની તૈયારીઓ ચાલુ છે ત્યારે રુપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓ પોતાનું પત્તું કપાવવાની શક્યતા વચ્ચે દોડતા થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કેટલાક પૂર્વ મંત્રીઓએ સીઆર પાટીલ તેમજ પૂર્વ સીએમ વિજય રુપાણીની પણ મુલાકાત કરી છે. જેમાં સિનિયર ઉપરાંત જુનિયર મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, પૂર્વ મંત્રીઓને તેમને નવી ટીમમાં સ્થાન મળશે કે કેમ તેની કોઈ ખાતરી હજુ સુધી આપવામાં નથી આવી. હાલ એવી પણ અટકળો ચાલી રહી છે કે નવા સીએમના મંત્રીમંડળમાં તમામ ચહેરા પણ નવા જ હશે. જૂના મંત્રીમંડળમાંથી કોઈને પણ રિપિટ નહીં કરવામાં આવે તેવી જોરદાર ચર્ચાઓ વચ્ચે પૂર્વ મંત્રીઓ હાલ પોતાની ખુરશી બચાવવા માટે દોડતા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એવા સમાચાર આવ્યા હતા કે કેટલાક મંત્રીઓએ પોતાની બાદબાકી નક્કી જણાતા ઓફિસ ખાલી કરવાનું પણ શરુ કરી દીધું છે. તેવામાં એ પણ સ્પષ્ટ નથી કે જે સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તેમને શું ભૂમિકા અપાશે?

વિધાનસભા ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય માંડ રહ્યો છે તે પહેલા જ ગુજરાતમાં સીએમને બદલી નાખવામાં આવતા મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. ભાજપ ચૂંટણી પહેલા પોતાની ઈમેજ બદલવા માટે મોટાપાયે કવાયત કરી રહ્યો છે. તેવામાં નવા મંત્રી મંડળમાં તમામ મંત્રીઓ ૬૦ વર્ષથી ઓછી વયના હશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, હાલ તો બધા નિર્ણય દિલ્હીથી જ લેવાઈ રહ્યા હોવાથી ગુજરાતના સિનિયર નેતાઓને પણ કોનો સમાવેશ થશે તેનો કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી.

એક તરફ પૂર્વ મંત્રીઓ ખુરશી બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, તો બીજી તરફ મંત્રી બનવા માટે પોતાની દાવેદારી રજૂ કરવા પણ કેટલાક ધારાસભ્યો પક્ષ પ્રમુખ સી.આર. પાટીલની મુલાકાત લઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો દસેક જેટલા ધારાસભ્યોએ પાટીલની મુલાકાત કરી છે. કેટલાકના નામ પણ હાલ ચર્ચામાં છે.

મંત્રીમંડળની રચના બાદ કોઈ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત ના કરે તેના માટે પણ ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. લગભગ તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી પણ ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે, કોને આજે લોટરી લાગે છે અને કોને ઘરભેગા થવાનો વારો આવે છે. ઉલ્લેખનીય છે કે, સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે તેમનું મંત્રીમંડળ આજે શપથ લેવાનું છે, અને ખાતાંની ફાળવણી આવતીકાલ સુધીમાં થઈ શકે છે.

(7:34 pm IST)