ગુજરાત
News of Saturday, 16th January 2021

વાપીમાં GPCBએ વાઈટલ કંપની અને યોગેશ્વર કેમિકલને દંડ અને ક્લોઝર નોટિસ ફટકારી

વાઈટલને એક કરોડનો દંડ અને યોગેશ્વર કેમિકલને 25 લાખનો દંડ: બંનેને ક્લોઝર નોટિસ

વાપી GIDC અને આસપાસના રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા અને જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારાઓ સામે GPCB એ લાલ આંખ કરી છે. જેમા વાઈટલ લેબોરેટરીઝ અને યોગેશ્વર કેમિકલ નામની કંપનીઓને ક્લોઝર નોટિસ અને દંડ ફટકારતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વાપી GIDC માં છેલ્લા ઘણા સમયથી આગના બનાવ ખૂબ જ વધી ગયા છે. તો સાથે સાથે કેટલીક કેમિકલ કંપની દ્વારા હવામા કેમિકલ છોડવાનો તથા કેમિકલ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ કરાતો હોવાની ફરિયાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મળી હતી. જે અંગે GPCB એ તપાસ હાથ ધરી આવા એકમો સામે સખત પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી હતી.

 આ ઘટના બાદ હવામા ભારે પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે તથા કંપની પરિસરમાં કંપની સંચાલક દ્વારા બેદરકારી રાખવાના મુદ્દે વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભૌતિક ગજ્જર અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. વડી કચેરી દ્વારા વાઇટલ લેબોરેટરીઝ કંપનીને એક કરોડ રૂપિયાનો દંડ તથા ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

 જ્યારે અન્ય એક કંપની યોગેશ્વર કેમિકલને પણ ક્લોઝર નોટિસ અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બંને કંપનીમાં તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, પાણીનું કનેક્શન તથા અન્ય સુવિધાઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

(11:45 am IST)