ગુજરાત
News of Saturday, 16th January 2021

સુરતમાં કોરોના યોદ્ધા એવા તબીબો, નર્સ, સફાઇ કર્મીઓને સહિતના 108 કર્મચારીઓને ડોઝ અપાયો

નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ હસ્તે વેક્સિનશનનો પ્રારંભ

સુરત :સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયાનો આરંભ થયો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ હસ્તે વેક્સિનશનનો પ્રારંભ કરાયો હતો,રાત દિવસ પોતાની પરવા કર્યા વગર લોકોની સેવામાં સમર્પિત કોરોના યોદ્ધા એવા તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓ સહિતના 108 કર્મચારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.

 સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષથી પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે અને કોવિડની શરૂઆતથી જ દર્દીની સેવામાં જોડાયેલા ડો. રાહુલ અરવિંદલાલ મોદીએ પહેલી વેક્લસન લીઘી છે. તેઓ પોતે વેક્સિન લઇ અન્ય લોકો પણ આ વેક્સિન લઇ એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ આપણે કેટલા સમયથી વેક્સિન રાહ જોઇ રહ્યા હતા તો આજે વેક્સિન આવી ગઇ છે તો એ લેવા માટે ડર કંઇ વાતનો? લોકોના ડરને દુર કરવા માટે સૌથી પહેલા અમોએ વેક્સિન લેવાનો નિર્ણય કર્યો અને વેક્સિન લીઘા પછી આનંદની લાગણી અનુભવી રહ્યો છું. વેક્સિન લેવાથી કોઇ આડ અસર થતી નથી. દરેક લોકોને વેકિસન લેવાની અપીલ તેમણે કરી હતી.

 સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગના હેડ ડો.પારૂલ વડગામાએ વેક્સિનનો ડોઝ લઇ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે “ વેક્સિનનો ડોઝ લેતા મને મારા પર ગર્વ થઇ રહ્યો છે. મારામાં પહેલાથી જ એન્ટિબોડી બની ચુક્યા છે તેમ છતા પણ લોકોમાં વેક્સિનેશનને લઇને જે ડર છે તેને દુર કરવા માટે વેક્સિન લીઘી છે. વેક્સિન લીઘા બાદ રાહત લાગે છે એની કોઇ આડઅસર થઇ નથી. લોકોને અપીલ સાથે વિનંતી કરતા પારૂલબેને કહ્યું કે, વેક્સિન આપણા સ્વાસ્થ માટે સફળદાયી છે તો દરેક લોકોએ વેક્સિન લેવી જોઇએ જેથી આવનારા સમયમાં આપણે કોરોના જેવી મહામારીથી બચી શકીશું.

10 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામગીરી કરતાં અને કોવિડ-19ની શરૂઆતથી જ કોરોના દર્દીને સેવામાં જોડાયેલા આકાશ સુરેશ ગોહિલે વેક્સિનનો ડોઝ લેતા જણાવ્યું કે “ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનશનનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે પ્રથમ દિવસે સર્વન્ટ સ્ટાફમાંથી પહેલા વેક્સિન લેવાનો નિર્ણય કર્યો અને પહેલા વેક્સિન લીઘી છે મને મારી જાત ઉપર ગર્વ થઇ રહ્યો છે. મારા પરિવારને જ્યારે કહ્યું કે, પ્રથમ વેક્સિન હું લઇ રહ્યો છે ત્યારે માતા પિતાએ પણ સમંતિ આપી હતીને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે ગર્વની લાગણી વ્યકત કરતા કહ્યું કે, પ્રથમ વેક્સિન લીઘા બાદ મારા સાથી કર્મચારીઓનો ડર પણ નીકળી ગયો છે અને વેક્સિન લેવા માટે તૈયાર થયા છે. વેક્સિન આપણા માટે સફળદાયી બનશે જેથી તમામ લોકોને અપીલ કરીને કોરોના મુક્ત સુરત બનાવવાની અપીલ તેમણે કરી હતી.

સુરત સિવિલ હોસ્પિટલમાં 2300 જેટલા કર્મચારીઓએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 100 કર્મચારીઓને વેક્સિન લીઘી છે જેમાં ડોક્ટર, નર્સ, પ્યુન, લિફ્ટમેન, સફાઇ કર્મચારી સહિતનાનો સમાવેશ થાય છે.

(9:27 pm IST)