ગુજરાત
News of Sunday, 16th May 2021

તૌકતે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સજાગ અને સુસજ્જ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

'ઝીરો કેઝ્યુઅલટી'ના સંકલ્પ સાથે વહીવટીતંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ:તમામ કૉવિડ હોસ્પિટલોમાં વીજળી અને ઓક્સિજન પુરવઠો અવરોધાય નહીં તેવી વ્યવસ્થા કરવા તાકીદ: દરિયાકાંઠાના ગામ અને સમગ્ર રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા દોઢ લાખ જેટલા નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરણ:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત ગુજરાતના સંપર્કમાં : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વીડિયો કોન્ફરન્સથી પરિસ્થિતિની સમીક્ષા કરી

અમદાવાદ :તાઉ'તે વાવાઝોડાનો સામનો કરવા ગુજરાત સુસજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રૂપાણીએ કહ્યું કે, સરકારનો સંકલ્પ છે 'ઝીરો કેઝ્યુઅલટી.' વાવાઝોડાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. એ દિશામાં પૂરતા આગોતરા પગલાં લેવાઇ રહ્યાં છે. ગુજરાતના દરિયા કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અંદાજે દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાઈ રહ્યું છે. આજે રાત સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂરી થઈ જાય તે પ્રકારે તમામ જીલ્લા કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે. દરિયામાં ગયેલા માછીમારો સલામત રીતે પાછા ફરે એ કામને અગ્રતા આપવામાં આવી છે, આ માટે કોસ્ટ ગાર્ડની પણ મદદ લેવામાં આવી છે. એટલું જ નહીં કચ્છ, સુરેન્દ્રનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા અગરિયાઓનુ પણ સલામત સ્થળે સ્થળાંતરણ થઈ જાય એ માટેનાં પગલાં લેવાઈ રહ્યા છે.
 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી સતત ગુજરાતની ચિંતા કરી રહ્યા છે. વાવાઝોડા સંદર્ભે તેઓ ગુજરાત સરકારના સંપર્કમાં છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ કરીને ગુજરાતની વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાવાઝોડાની સંભાવનાને પગલે એન.ડી.આર.એફ.ની 44 ટીમો અને એસ. ડી. આર.એફ. ની 10 ટીમો તહેનાત કરવામાં આવી છે. એટલું જ નહીં ફાયર બ્રિગેડ, પોલીસ અને કોસ્ટગાર્ડની સેવાઓ લેવામાં આવી રહી છે. જરૂર પડે તો આર્મી, એરફોર્સ અને નેવીને પણ મદદ માટે સ્ટેન્ડ-ટુ રહેવાની સુચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે બપોરે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે તાકીદની સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ તમામ વિભાગોના અધિકારીઓ અને કલેક્ટરોને મહત્વની સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તાઉ'તે વાવાઝોડાની સાથે સાથે ગુજરાત કોરોના અને મ્યૂકોરમાયકોસિસ જેવી ગંભીર તકલીફોનો સામનો પણ કરી રહ્યું છે ત્યારે વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે હોસ્પિટલો અને ઓક્સિજન પ્લાન્ટની વિશેષ કાળજી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાતની તમામ કૉવિડ હોસ્પિટલોમાં જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં વીજ પુરવઠો એક મિનિટ માટે પણ ખોરવાય નહીં એવી સૂચનાઓ આપવામાં આવી છે. તમામ કૉવિડ હોસ્પિટલોમાં જનરેટર સેટ મુકવામાં આવ્યા છે.  જરૂર પડે તો તત્કાળ જનરેટર સેટ ચાલુ કરી શકાય તે પ્રકારે જરૂરી માનવબળ પણ તહેનાત રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. જે હોસ્પિટલોની આસપાસ ટેમ્પરરી સ્ટ્રકચર ઉભા કરવામાં આવ્યા છે તેની સલામતીની ચકાસણી પણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અનિવાર્ય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાની આ સ્થિતિમાં ગુજરાતમાં હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોય તેની કાળજી લેવાની તાકીદ કરી છે. તમામ જિલ્લાઓને  હોસ્પિટલોમાં ઓક્સિજનનો બફર સ્ટોક રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આઠ કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે અને માત્ર ગુજરાત જ નહીં ભારતમાં પણ આ કંપનીઓનો ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. વાવાઝોડાની સ્થિતિમાં આ ઓક્સિજનનું ઉત્પાદન અટકે નહીં અને ઓક્સિજન સપ્લાય પણ ખોરવાય નહીં તે માટે વિશેષ કાળજી લેવા સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે થાંભલા કે વૃક્ષો પડી જવાને કારણે રસ્તા બ્લોક થઈ જતા હોય છે, રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને વનવિભાગને  તમામ રસ્તાઓ પર કે જ્યાં વૃક્ષો કે થાંભલા પડવાને કારણે વાહન વ્યવહાર અવરોધાય એવી સંભાવના છે ત્યાં અધિકારીઓ તહેનાત રહે એવી તાકીદ કરવામાં આવી છે. જેથી  ઓક્સિજન પુરવઠો ખોરવાય નહીં કે વાહન વ્યવહારમાં અવરોધ ઊભો ન થાય.
વાવાઝોડામાં સૌથી વધારે અસર વીજ પુરવઠાને થતી હોય છે. થાંભલા પડી જવા કે ટ્રાન્સફોર્મર્સમાં પાણી ભરાઈ જવાના બનાવો બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં વીજ પુરવઠા વિભાગને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે. પરિસ્થિતિની સમિક્ષા કરતા રાજકોટથી આ બેઠકમાં જોડાયેલા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું હતું કે, ઉર્જા વિભાગની 585 ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તૈયાર રાખવામાં આવી છે. વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે થાંભલા, કેબલ કે ટ્રાન્સફોર્મરને નુકસાન થાય તો તરત જ રિસ્ટોરેશન કામગીરી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
જે જિલ્લાઓમાં મોટા ઉદ્યોગો કાર્યરત છે ત્યાં તે ઉદ્યોગોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની પણ બચાવ અને રાહત કામોમાં મદદ લેવા કલેક્ટરોને સુચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પાણી પુરવઠાના અધિકારીઓને પણ સ્ટેન્ડ ટુ રહીને કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે.
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ( મહેસુલ ) પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તથા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:06 pm IST)