ગુજરાત
News of Sunday, 16th May 2021

કામસૂત્ર પેકેજ લેવાના બહાને યુવક પાસેથી ૪૪૦૦૦ પડાવ્યા

પ્લે બોય બની મોજમજા સાથે કમાણી ભારે પડી : તમારે સારા ઘરની લેડીઝ સાથે હોટલમાં જઈને ઈચ્છા પૂરી કરવી પડશે જેના ઘણા રૂપિયા યુવતી આપી જશે

અમદાવાદ,તા.૧૬ : આજકાલના સમયમાં બેકારી વધી રહી છે તેમ તેમ ઓનલાઈન ઠગાઈના અલગ અલગ કિસ્સાઓ પણ વધુને વધુ સામે આવી રહ્યા છે. ગઠિયાઓ અલગ અલગ રીતે લોકોને છેતરી રહ્યા છે. ત્યારે ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જે મુજબ સાણંદના એક યુવકે સમાચાર પેપરમાંથી જાહેરાત વાંચીને પ્લે બોયની નોકરી મેળવવા જતાં ૪૩૫૦૦ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. ત્યારબાદ આ યુવકે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ સાબરકાંઠા હિંમતનગરનો ૨૫ વર્ષીય યુવક હાલ સાણંદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એક કંપનીમાં નોકરી કરે છે. એક કેસની તપાસ કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનો આ યુવક ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી સાથે અગાઉ નોકરી મેળવવા બાબતના ન્યૂઝ વાંચીને કોઈ છેતરપીંડી થઈ છે કે કેમ? તેવું પૂછતાં યુવકે સમગ્ર કહાની જણાવી હતી. યુવકે જણાવ્યું કે વર્ષ ૨૦૨૦માં જૂન મહિનામાં તે તેના ઘરે હતો ત્યારે એક ન્યૂઝપેપર વાંચતો હતો. ત્યારે તેમાં પ્લેબોય તરીકેની નોકરી મેળવી ૪૬ હજારનો પગાર મેળવવા બાબતે ની જાહેરાત તેણે વાંચી હતી અને જાહેરાત માં આપેલા નંબર પર તેને ફોન કર્યો હતો. ત્યારે આ નંબર પર ફોન કરતાં કોઈ છોકરા એ ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે જાહેરાત મુજબ નોકરી મેળવવી હોય તો શરૂઆતમાં જોઇનિંગ ફી પેટે ૧૦૦૦ રૂપિયા ભરવાના રહેશે. યુવકે આ રૂપિયા ભરી દીધા હતા. ત્યારબાદ આ વ્યક્તિનો વારંવાર સંપર્ક કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો ત્યારે આ યુવકે વોટ્સએપ ઉપર મેસેજ કરી જણાવ્યું હતું કે મારો ફોન ઉપાડો અને મારે શું કરવું તે બાબત નો રીપ્લાય આપો. જો કે તેમ છતાં પણ સામેવાળા વ્યક્તિ એ આ યુવકને કોઈ જવાબ આપ્યો ન હતો.બાદમાં તેને એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારું કામ થઈ ગયું છે. તમારે બીજા પૈસા ગોલ્ડ કોઈન તેમજ અન્ય અલગ-અલગ સ્કીમ માટે પેટીએમ નંબર ઉપર ભરવા પડશે.

          જેથી આ યુવકે ટૂકડે ટૂકડે ૪૨,૫૦૦ રૂપિયા ભર્યા હતા. આ તમામ રૂપિયા રિફંડેબલ હોવાનું કહી યુવક પાસેથી મેળવીલીધા હતા. બાદમાં યુવકને ફોન કરી સેટેલાઈટ રોડ ઉપર જવા કહ્યું હતું અને ત્યાં કાવ્યા નામની મેડમ મળશે તેમ જણાવ્યું હતું. યુવક સેટેલાઇટ પહોંચી ગયો જ્યાં કાવ્યા મેડમની રાહ જોતો હતો અને ફોન કરતા એ ફોન બંધ આવતો હતો. જેથી કાવ્યા મેડમ સાથે સંપર્ક થઇ શકયો ન હતો અને ફોન કરનાર ઠગ યુવકનો પણ ફોન બન્ધ આવતો હતો. જેથી પોતે ઠગાઈનો ભોગ બન્યો હોવાની જાણ થતા આ યુવકે આબરૂ ના જાય તે માટે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી આ બાબતે ફોન આવતાં યુવકે પોતાની સાથે પ્લેબોય તરીકે નોકરી આપવાની લાલચ એ અજાણ્યા શખ્સોએ ૪૩,૫૦૦ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘરે બેઠા રૂપિયા કમાવવાની જાહેરાત જોઈને જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા યુવકે રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. બોપલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા એક યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેને એક ન્યૂઝ પેપરમાં બેરોજગારોને રૂપિયા ૨૦ હજાર કમાવવાની તકની જાહેરાત જોઈને તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન માટે રૂપિયા ૯૯૯ ભરવા માટે કહ્યું હતું. જોકે, રૂપિયા ભર્યા બાદ ગઠીયાએ ફરિયાદીનો નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ બીજે દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફરિયાદીએ આઇકન અર્નમની નામની સાઈટની મેમ્બરશિપ લીધેલી છે. જેમાં અમારી પાસે રૂપિયા કમાવવા માટે અલગ-અલગ સ્કીમ છે. જે પૈકી કામાસૂત્રનું ગોલ્ડ પેકેજ લેવા માટે ફરિયાદીને રૂપિયા ૧૫,૫૦૦ ભરવા માટે કહ્યું હતું. જે બાબતે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બને કિસ્સામાં યુવતીને મળવાનું કહેવાયું હતું જે યુવતીનું નામ કાવ્યા આપવામાં આવતું હોવાથી આ બને ગુના એક જ ગેંગ દ્વારા કરાયા હોવાની શકયતા દેખાઈ રહી છે.

(7:41 pm IST)