ગુજરાત
News of Sunday, 16th May 2021

વલસાડ જિલ્લા પોલીસ વડાએ કર્તવ્ય નિષ્ઠાની કામગીરીને વધાવી :સિટી પોલીસની મહિલા કોન્સ્ટેબલે પ્રસૂતિના આગલા દિવસ સૂધી નોકરી કરી હતી

અકિલા સાથે વાતચીત માં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે મહિલા પોલીસ કર્મચારીનું પ્રશંસા પત્ર આપી સન્માન કર્યુ હતું: જિલ્લા પોલીસ વડા ખુદ હોસ્પિટલે ગયા પોલીસ કર્મચારી ભાવ વીભોર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અનેક પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં અનેક મહિલા પોલીસકર્મીઓની કામગીરી પણ આંખે વળગે એવી છે. જેમાં સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં એક મહિલા કોન્સ્ટેબલની કામગીરી આંખે વળગે એવી રહી છે. તેમણે તેમની પ્રસૂતિના આગલા દિવસ સુધી પોલીસ મથકમાં ફરજ બજાવી હતી. વલસાડ સિટી પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિરંજનાબેન કનુભાઇ પટેલ (રહે. કાંજણ હરી, વલસાડ) ગર્ભવતી થઇ ગયા હતા. તેઓ 9 માસના ગર્ભ સાથે પણ સતત નોકરી કરતા રહ્યા હતા.

 સિટી પીઆઇ વી. ડી. મોરીએ તેમને મેટરનીટી લીવ લેવા પણ કહ્યું હતુ. ત્યારે નિરંજનાબેને જણાવ્યું કે, હાલ તબિયત સારી છે અને જરૂર જણાતી નથી. એવું કહી તેઓ સતત કાર્યરત હતી. ગત 12મી મે ની રાત્રે તેઓ નોકરી કરીને ઘરે ગયા અને તેમની પ્રસૂતી થઇ હતી અને બીજા દિવસે તેમણે જ જાતે પીઆઇને પોતાને પુત્ર થયો હોવાના સમાચાર આપ્યા હતા. તેમની ફરજ પ્રત્યેની આ ઇચ્છશક્તિની સમગ્ર પોલીસ બેડામાં વાહવાહી થઇ રહી હતી જ્યારે અકિલા સાથે વાતચીત માં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યું કે મહિલા પોલીસ કર્મચારીનું પ્રશંસા પત્ર આપી સન્માન કર્યુ હતું જ્યારે જિલ્લા પોલીસ વડા ખુદ હોસ્પિટલે ગયા ત્યારે પોલીસ કર્મચારી ભાવ વીભોર થયા હતા

(8:39 pm IST)