ગુજરાત
News of Tuesday, 15th June 2021

મધ્યમવર્ગને મળશે રાહત : સિંગતેલ સહીત ખાદ્યતેલના ભાવમાં ઘટાડા તરફી માહોલ

મગફળી સહિત તેલીબિયાંની વેચવાલી વધતા તેલના ભાવમાં દબાણ :સિંગતેલના ભાવમાં રૂ.25થી 40 ,કપાસિયા તેલમાં ડબ્બે 40 રૂપિયા અને પામોલિનમાં 40 રૂપિયાનો ઘટાડો

અમદાવાદ : રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સામેથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ઈંધણ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ઊંચા ભાવ વચ્ચે અનાજ માર્કેટોમાં મગફળી સહિત તેલીબિયાંની વેચવાલી વધતા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

સિંગતેલના ભાવમાં રૂ.25થી 40નો ઘટાડો નોંધાયો છે. જેને કારણે ડબ્બાનો ભાવ ઘટીને 2,465 રૂપિયા થઈ ગયો છે. આજ રીતે કપાસિયા તેલમાં ડબ્બે 40 રૂપિયા, પામોલિનમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત પામોલિનમાં 40 રૂપિયા, સનફ્લાવર તેલમાં 20 રૂપિયા અને કોર્ન ઓઇલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે.

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે રાજ્યમાં અનાજ માર્કેટો બંધ રહેતાં મગફળી સહિત તેલીબિયાંની હરાજી થઈ શકી નહોતી. જોકે હવે તેલીબિયાંનું વેચાણ નોંધાતા તેલનાં ભાવ નીચે ઉતર્યા છે. અત્રે નોંધનીય છે કે લોકડાઉનને કારણે હોટેલો-રેસ્ટોરાં બંધ રહેતાં માગમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ખાદ્યતેલની કિંમતો આસમાને આંબી રહી હતી. આજ રીતે વધી રહેલા પેટ્રોલ-ડિઝલનાં ભાવને અંકુશમાં રાખવા માટે રાજ્ય સરકાર વેટ ઘટાડીને સામાન્ય પ્રજાને રાહત આપશે તેમ માનવામાં આવી રહયું છે

(12:40 am IST)