ગુજરાત
News of Wednesday, 16th June 2021

ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગના ગુનાઓમાં ફરાર સુલતાન ગેંગનો સાગરીત ઝડપાયો

બકુ સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ સામે અનેક ગુનાઓઃ રાજસ્થાનથી ઝડપી લેવાયો

અમદાવાદઃ શહેરમાં ગુજસીટોક અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા સુલતાન ગેંગના સાગરીત બકુ સૈયદ ઉર્ફે બકુખાન પઠાણની શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે રાજસ્થાનથી ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. બકુ સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વિરુદ્ધ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયા છે. આ સાથે તે સરકારી જમીનો પચાવી પાડવાના ગુનામાં પણ સંડોવાયેલો છે.

શહેરમાં ગુનાખોરીમાં સંડોવાયેલા અને સુલતાન ગેંગના સાગરીત એવા બકુ સૈયદ ઉર્ફે બકુ ખાન પઠાણ અને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક પોલીસ તેને શોધતી હતી, ત્યારે શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બકુ સૈયદ રાજસ્થાનમાં છુપાઈને બેઠો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે એક ટીમ રાજસ્થાન મોકલી બકુ સૈયદની ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપી બકૂખાન પઠાણ સુલતાન ગેંગનો મુખ્ય સાગરીત છે અને અનેક ગુનામાં સંડોવાયેલો છે. બકૂખાન પઠાણ વિરુદ્ધ અગાઉ પણ અસલાલી, શાહપુર અને કારંજ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. હાલ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગે તપાસ માટે આરોપીને સોંપવામાં આવશે. આ આરોપીના વિરૂદ્ધમાં ગુજસીટોકનો પણ ગુનો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.

(1:54 pm IST)