ગુજરાત
News of Wednesday, 16th June 2021

અંબાજી માતાજીના સાનિધ્યમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરનો ધાર્મિક સ્થળના રૂપમાં વિકાસ કરાશે

આરાસુરી અંબાજી ટ્રસ્ટે મંદિર અને અન્ય સંપતિઓ પોતાના કબ્જામાં લીધી

પાલનપુર તા. ૧૬ : અંબાજીનુ કોટેશ્વર મંદિર ધાર્મિક સ્થળ તરીકે વિકસીત કરવામાં આવશે. આના માટે શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટે શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર અને તેની સાથે જોડાયેલી સંપતિઓને મંગળવારે પોતાના કબ્જામાં લીધી છે. કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ દેવસ્થાન ટ્રસ્ટના પ્રશાસક એસ.જે. ચાવડા અને અન્ય અધિકારીઓની ટીમે જરૂરી કાર્યવાહી પુરી કરી હતી મંદિરની સંપતિઓમાંં કોટેશ્વર મહાદેવ મંદિર સહિતનું પરિસર, ગોમુખ, વાલ્મીકી આશ્રમ, ગૌશાળા અને ખેતીની જમીન સામેલ છે.

માહિતી અનુસાર દેવસ્થાન ટ્રસ્ટ આ મંદિરમાં બુનિયાદી સુવિધાઓ વિકસીત કરવાની સાથે મંદિરના કુંડ અને ગોમુખનું સૌંદર્યીકરણ કરશે આ યોજના હેઠળ કોટેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે પાર્કિંગ, મંદિર અને આશ્રમ જવાનો રસ્તો, સ્ટ્રીટલાઇટ, પીવાના પાણીની સુવિધા, શૌચાલય વગેરેનું નિર્માણ કરશે.

યોજના અનુસાર વર્તમાન કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોના જીર્ણોધ્ધાર અને જૂની બિન ઉપયોગી ઇમારતોને હટાવીને મંદિર પરિસરને મોટું બનાવાશે. આ ઉપરાંત પીવાના પાણી, બાગ બગીચા અને પર્યાવરણ સંબંધી જરૂરીયાતો પુરી કરાશે. ગોમુખની જગ્યાએ ગોમુખ અને પાણીના કુંડનો જીર્ણોધ્ધાર કરીને એક વધુ કુંડનું નિર્માણ કરાશે. ધર્મશાળાનું જર્જરીત ભવન હટાવી દેવાશે.

સરસ્વતી નદીના ઉદગમ સ્થળને ધાર્મિક મહત્વના થીમ પર સરસ્વતી માતાની મૂર્તિ સાથે અન્ય કાર્યો પણ કરાશે. આ ઉપરાંત આશ્રમવાળી જગ્યાએ હાલના મંદિરોના જીર્ણોધ્ધાર, આયુર્વેદીક પુસ્તકોની લાયબ્રેરી વગેરે કાર્યો પણ પુરા કરાશે. આ બધા વિકાસ કાર્યો માટે આર્કીટેકટની ટીમ બહુ જલ્દી કોટેશ્વરનો સર્વે કરીને માસ્ટર પ્લાન બનાવીને ખર્ચનો અંદાજ રજૂ કરશે. માહિતી અનુસાર, ભવિષ્યમાં ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતી કરવાની યોજના પણ ટ્રસ્ટ દ્વારા બનાવાઇ છે.

(3:20 pm IST)