ગુજરાત
News of Wednesday, 16th June 2021

ગુજરાત કેડરના IAS અધિકારી પર જૂઠ્ઠુ બોલીને લગ્ન કરવાનો આરોપ : પીડિત પત્નીની રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી

IAS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મ સહિત અનેક કેસો નોંધાયા ;અધિકારી વિરુદ્ધ દાખલ કેસ બાદ તેમને સસ્પેન્ડ પણ કરાયા

અમદાવાદ :ગુજરાત કેડરના એક IAS અધિકારીની પત્નીએ પોતાના પતિ પર માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.પીડિત પત્નીએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, IAS અધિકારી વિરુદ્ધ દુષ્કર્મ સહિત અનેક કેસો નોંધાયા છે. અધિકારી વિરુદ્ધ દાખલ કેસ બાદ તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

અલીગઢ જિલ્લામાં રહેતી એક મહિલાનો આરોપ છે કે, ફેસબુકના માધ્યમથી તેનો IAS અધિકારી સાથે પરિચય થયો હતો. IAS અધિકારીએ વર્ષ 2017માં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે તેણીએ એક્સેપ્ટ કરી હતી. જે બાદ 13 ઓક્ટોબર,2017થી બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન IAS અધિકારી તરફથી મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એવામાં મહિલાને જાણ થઈ કે, તેને પ્રપોઝ કરનાર IAS અધિકારી પહેલાથી પરણિત છે.  Gujarat Cadre IAS 

જો કે IAS ઑફિસરે મહિલાને કહ્યું હતું કે, તેના પત્ની સાથેના સબંધો સારા નથી. આથી તે તેને છૂટાછેડા આપી રહ્યો છે. મહિલાનો આરોપ છે કે, આરોપી IAS અધિકારીએ વાત કરવા માટે તેને દિલ્હી આવવા કહ્યું હતું. જ્યાં આરોપીએ ફરીથી તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે મહિલાએ તેનો ઈનકાર કર્યો, પરંતુ તે લગ્ન કરવાની જીદ પર મક્કમ રહ્યો હતો.

આ દરમિયાન IAS ઑફિસરે મહિલાની છૂટાછેડાના પેપરો પણ દેખાડ્યા હતા, જે ગુજરાતી ભાષામાં હતા. જે બાદ મહિલાની એકલતાનો લાભ લઈને ઓફિસરે તેના ડ્રિન્કમાં નશીલી દવા મીલાવીને તેને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહીં, તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. વીડિયો બનાવ્યા બાદ તે મહિલાને વારંવાર બ્લેકમેલ કરવા લાગ્યો અને ધમકી આપતો કે, જો તું મને છોડી દઈશ, તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ.

23 ફેબ્રુઆરી, 2018ના રોજ આઈએએસ અધિકારીએ મહિલાને દિલ્હી બોલાવી અને બીજા દિવસે તેને આંધ્ર પ્રદેશના તિરુપતિ લઈ જઈને મંદિરમાં બન્ને જણાએ લગ્ન કરી લીધા હતા. જે બાદ મહિલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ. આટલું જ નહીં પીડિત મહિલાએ IAS અધિકારી અને તેના પરિવારજનોએ તેનો ગર્ભપાત કરાવવાની કોશિશ કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

23 નવેમ્બર, 2018ના રોજ મહિલાએ જ્યારે દીકરીને જન્મ આપ્યો, તે બાદ અધિકારી તેની સાથે મારામારી કરવા લાગ્યો અને તેને ઊંઘની ગોળીઓ આપતો. આરોપી અધિકારીએ તેને અને તેની દીકરીને મારવાની ધમકી પણ આપી છે.

પતિનો અત્યાચારથી કંટાળેલી મહિલાએ 25 જાન્યુઆરી, 2021ના રોજ અતરોલીમાં IAS અધિકારી અને તેના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ તેમના પર ભારતીય દંડ સંહિતાની કલમ 376, 377, 406, 323,328,313, 504, 506 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી IAS અધિકારી સસ્પેન્ડ છે. પીડિત મહિલાનું કહેવું છે કે, મને અને મારી દીકરીને ન્યાય આપવામાં આવે, નહીં તો રાષ્ટ્રપતિ ઈચ્છામૃત્યુની મંજૂરી આપે

(9:38 pm IST)