ગુજરાત
News of Wednesday, 16th June 2021

અમદાવાદમાં ૧૫૪ કિલો ગાંજા સાથે પાંચની ધરપકડ

મુખ્ય આરોપીએ એક હજાર કિલોનો જથ્થો મંગાવ્યો હતો : આ એક હજાર કિલો ગાંજો રાજસ્થાન, ગુજરાતના ખેરાલુ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં વેચ્યો છે

અમદાવાદ, તા. ૧૬ : ઉડતા ગુજરાતનો વધુ એક પુરાવો પોલીસ ચોપડે નોધાયો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ૧૫૪ કિલો ગાંજા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૨૦.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઓડિસાથી એક હજાર કિલ્લો ગાંજો રાજસ્થાન અને ગુજરાતમાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જોકે તેટલો જથ્થો આવ્યો પણ હોઇ શકે તેવું પોલીસ માની રહી છે.

અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની ગ્રામ્ય એસઓજીની ટીમના પીઆઇ ડી.એન.પટેલ અને એલસીબી પીઆઇ આર.જી.ખાંટ ની ટીમને ગાંજાના નેટવર્કની બાતમી મળી હતી. પોલીસે આ બાબતે ટીમ બનાવી આરોપીઓને ૧૫૪ કિલો ગાંજા ના જથ્થા સાથે ઝડપી પાડયા છે.

ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલાઅમિત વાઘેલા જે મૂળ સાણંદના ચેખલા ગામનો છે. તેની સાથે અન્ય પારસમલ ગુજર, દિપક સોમાણી, ગોવિંદ જોશી, રાજુ માલ્યા ની ધરપકડ કરાઈ છે. જે તમામ મૂળ રાજસ્થાનના રહેવાસી છે.૧૫૪ કિલો ગાંજાનો જથ્થો આરોપી પારસ મલ ગુજરે પ્રતિ કિલો ૪ હજારની કિંમતે ફરાર આરોપી ભવરલાલ તેઈલી પાસેથી લીધો હતો. અને પારસ મલે ૫ હજાર પ્રતિ કિલોના ભાવે દિપક સોમાણીને આપ્યો હતો.

દીપકે આરોપી રાજુને ૬ હજાર પ્રતિ કિલોના ભાવે આપ્યો હતો. બાદમાં રાજુએ અમિત ને આ માલ ૯ હજાર પ્રતિ કિલોના ભાવે આપ્યો હતો. અને અમિત આ માલ છૂટક વેચાણ કરતો હતો.

આરોપી પારસ મલ છ સાત માસથી ગાંજા ની હેરાફેરી સાથે સંકળાયેલો છે. પાંચેક દિવસ પહેલા આ માલ આરોપીઓની મદદથી ટ્રાન્સપોર્ટેશનના વાહનો મારફતે સાણંદના ચેખલા ગામે અમીતની મદદથી વેચવા માટે લાવ્યા હતા.અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે ઓડિસાથી ફરાર મુખ્ય આરોપી ભંવરલાલ તૈલીએ એક હજાર કિલ્લો ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો અને આ તમામ એક હજાર કિલ્લો ગાંજો રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદ, ખેરાલુ, સુરેન્દ્રનગર સહીતના વિસ્તાર માં વેચ્યો છે.ત્યારે પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે ગુજરાત માં આ નશા નો જથ્થો ક્યાં ક્યાં આપાયો છે.

આરોપીઓ પોલીસના હાથે પકડાય નહિ તે માટે ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ નામે ગાંજાના પાર્સલ ને અલગ અલગ પેકિંગ કરી રાજસ્થાનથી મોકલી આપતા અને પોતે ખાનગી વાહન મારફતે રાજસ્થાનથી અમદાવાદ આવી પાર્સલ લઈ લેતા અને માલ ઠેકાણે પાડતા હતા.

તેમ છતાં પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ અને બાતમીથી આરોપીઓ બચી ન શક્યા અને કાયદાના સકંજામાં આવી ગયા છે. આરોપીઓ ગુજરાતમાં લોકલ પેડલર ને અલગ અલગ શહેરોમાં મોકલવાના હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ પાંચેક દિવસ પહેલા આ માલ લાવ્યા હતા અને અગાઉ બેથી વધુ ખેપ મારી ચુક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

હાલ પોલીસે ફરાર આરોપી ભવરલાલ તેઈલી  ની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા ગાંજા નું મૂળ જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે જેમાં સામે આવ્યું છે કે ઓડીસા ના નકસલાઈટ વિસ્તારમાંથી આ ગાંજો પહોંચ્યો હતો.

(9:39 pm IST)