અમદાવાદમાં પ્રતિબંધિત સિગારેટનું વેચાણ કરનાર આરોપી ઝડપાયો
બોપલ જીમ ખાના રોડ પર ખુલ્લા પ્લોટમાં માય ડીલક્ષ પાન પાર્લરમાં જુદી જુદી બ્રાન્ડના સિગારેટના પેકેટ સાથે આરોપી મલ્હાર દવેની ધરપકડ
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર સિગારેટના વેચાણ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે એક પાન પાર્લરમાં વેચાતી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે.
શહેરના બોપલ જીમ ખાના રોડ પર ખુલ્લા પ્લોટમાં માય ડીલક્ષ પાન પાર્લરમાં ચિત્રાત્મક ચેતવણી કે લખાણ વિનાની ગેરકાયદેસર સિગારેટનું વેચાણ થતું હતું. પોલીસને આ બાબતે ચોક્કસ બાતમી મળતા તપાસ દરમિયાન પાન પાર્લરમાંથી જુદી જુદી 7 બ્રાન્ડની વિદેશી બનાવટની સિગારેટ મળી આવી હતી. દુકાનમાંથી મળેલા સિગારેટના 71 જેટલા પેકેટોની કુલ 10 હજારથી વધુ કિંમત થાય છે.
પોલીસ દ્વારા જુદી જુદી બ્રાન્ડના સિગારેટના પેકેટ સાથે આરોપી મલ્હાર દવેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં તમાકુ ઉત્પાદન અને વહેંચણી અને પુરૂ પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ 2003ની કલમ- 7,8,9 તથા 20 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે