ગુજરાત
News of Tuesday, 16th August 2022

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો :કોઈપણ કેસની કાર્યવાહી દરમિયાન ગુજરાતી ભાષાના માન્યતા આપવાની રજૂઆત કરાઈ:કેસની કાર્યવાહીમાં ગુજરાતી ભાષા અને ડોક્યુમેન્ટને મંજૂરી આપવાની માગ કરી

ગુજરાતની હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવા માટેની માગ ઉઠી છે. જેમા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને (GHAA) રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો છે, જેમા કોર્ટમાં ગુજરાતી ભાષાને પણ માન્યતા આપવા માટેની રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પત્રમાં બહુ માર્મિક ટકોર કરી છે કે દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે તો બ્રિટિશ શાસનમાંથી આઝાદીના 75 વર્ષ બાદ પણ અંગ્રેજી ભાષાની ગુલામી શા માટે કરાય છે. આ સાથે GHAAએ ઉમેર્યુ છે કે બંધારણના અનુચ્છેદ 348(2) મુજબ રાજ્યપાલને સત્તા છે કે હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાને કાર્યવાહી અને દસ્તાવેજમાં માન્યતા આપી શકે

ભારતના બંધારણની આ જોગવાઈ રાજ્યના રાજ્યપાલને, રાષ્ટ્રપતિની અગાઉની સંમતિથી સ્વત: પ્રાપ્તિની મંજૂરી આપે છે. આ સાથે GHAAએ રાજ્યપાલને લખેલા પત્રમાં એ પણ રજૂઆત કરી છે કે ગુજરાતીને અધિકૃત ભાષા તરીકે માન્યતા ન આપવાથી હાઈકોર્ટ સમક્ષ ન્યાયની આશા લઈ આવતા લોકોને આર્થિક રીતે અને ભાષાકીય રીતે બાધિત કરે છે. પરિણામે ક્યારેક લોકોને યોગ્ય ન્યાય મળતો નથી.

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવાના વધુ કારણો દર્શાવતા GHAAએ પત્રમાં રજૂઆત કરી છે કે કેસના દસ્તાવેજોનું અંગ્રેજીનું ગુજરાતી ભાષાંતર પ્રદાન કરવાની જરૂરિયાત ભારતના બંધારણની કલમ 21નો ભંગ કરે છે અને જે દસ્તાવેજો ગુજરાતીમાં છે તેની અનુવાદ કરેલી નકલો આપવાની જરૂરિયાત ન્યાય મેળવવા માગતા કોઈપણ અરજદાર માટે ખર્ચાળ અને સમય માહી લે તેવી બાબત છે.

ગુજરાતી ભાષાને માન્યતા આપવાની રજૂઆત કરતા પત્રમાં GHAAના પ્રમુખ અસીમ પંડ્યાએ જણાવ્યુ છે કે એક તરફ આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને બીજી તરફ હજુ પણ આપણી હાઈકોર્ટ તેની કાર્યવાહીમાં માત્ર અંગ્રેજી ભાષાનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ કરે છે, તેને બદલવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે જે રાજ્યમાં મોટા ભાગના લોકો અંગ્રેજી ભાષા બોલતા, વાંચતા કે સમજી શક્તા નથી. હાઈકોર્ટની કાર્યવાહી હજુ પણ અંગ્રેજી ભાષામાં ચલાવવામાં આવે છે જેથી નાગરિકોને કાનુની કાર્યવાહી જાણવા અને સમજવાના તેમના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.

આ સાથે GHAAના પ્રમુખે પત્રમાં ટાંક્યુ છે કે બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ અંગ્રેજીની સાથે સાથે હિંદી ભાષાનો પ્રયોગ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્યપાલોએ લીધેલા છે. ત્યારે તેમણે એ પણ આશા વ્યક્ત કરી કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખૂબ જ જલ્દી નિર્ણય કરશે.

(8:11 pm IST)