ગુજરાત
News of Wednesday, 16th September 2020

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવા માંગ

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭ : નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મહામારી સંદર્ભે ચાલતી સુઓ મોટો પીએસઆઇ અનુસંધાન અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથને એક પત્ર પાઠવી રાજયમા રાજકીય સમારંભો રેલીઓ મીટીંગ યોજવા પર પ્રતિબંધ મુકવા માંગણી કરી છે.

ધારાસભ્યએ વધુમાં જણાવેલ છે કે અમદાવાદ શહેર બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. સરકારી તંત્રએ લાચાર અવસ્થામાં રાજકીય પ્રવૃતિઓને છુટો દોર આપ્યો છે. પ્રચાર માધ્યોમાં જનતાને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તથા સરકારી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાના ઉપદેશ આપતા મુખ્ય જવાબદાર નેતાઓ આઠ વિધાનસભાની પેટા ચુંટણી તથા આગામી સ્થાનિક સ્વરાજયની ચુંટણી માટે રેલીઓ કાઢી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, દ.ગુજરાતના સુરત, ગાંધીનગર, અંબાજીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે પણ અહી રાજકીય પ્રવૃતિઓને વેગ અપાઇ રહ્યો છે. અને હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. તમામ સ્થળોએ સભાઓ, રેલીઓના આયોજન દ્વારા બેઠકોનો દોર ચલાવી હજારો લોકોને સંક્રમિત કર્યા પછી કોરોનાગ્રસ્ત નેતાઓ પણ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. રાજકીય આગેવાનો, કાર્યક્રમો રેલીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી, માસ્ક પણ ધારણ કરતા નથી. એક વ્યકિતથી બીજી વ્યકિતને નહી પણ સેંકડો લોકોને ચેપ પ્રસરી રહ્યો છે. તે બાબત પ્રસ્થાપિત થઇ ચુકી છે.

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં સમગ્ર રાજયમાં યોજાવાની છે ત્યારે સતત એક માસ સુધી જો લોકો મેળાવડો જમાવશે મહાનગરોથી લઇ નગરપાલીકા, વિસ્તારો, તાલુકા, જિલ્લા તથા ૧૮,૦૦૦ જેટલા નાના ગામડાઓ સુધી લોકો મોટી સંખ્યામાં એકત્ર થશે તેમજ ઉમેદવારી પત્રક ભર્યાથી પ્રચારમાં રેલીઓ, સભાઓ, ગ્રુપ, મીટીંગ, મતદાન અને વિજય સરઘસમાં તો સમગ્ર રાજયની પરિસ્થિતિ કેટલી ગંભીર થવા પામશે તે વિચારીને પણ કંપારી છુટી જાય છે.

ચુંટણીને અનુલક્ષીને રાજકીય પ્રવૃતિઓને કારણે હજારો લોકો ગુજરાતમાં સુપર સ્પ્રેડર્સ બની ગયા છે જે એક જગ્યાએથી ચેપ ગુજરાતના નાના - નાના ગામડાઓ સુધી લઇ જઇ રહ્યા છે. ગરીબ, વૃદ્ધ અને અન્ય બિમારીથી પીડાતા નાગરીકોને કોરોનાનો ચેપ આપી રહ્યા છે. અને તેમના જીવનને જોખમમાં મુકી રહ્યા છે. હાલની સ્થિતિમાં ગુજરાતમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે સંજોગોમાં  આ ગેરજવાબદાર રાજકીય પ્રવૃતિઓ ઉપર મુકવો જોઇએ તેમ અંતમાં જણાવેલ છે.

(11:20 am IST)