ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદના ગોતા હાઉસીંગ ખાતેથી લાપતા 7 વર્ષની ખુશી રાઠોડની હત્‍યાઃ બાળાની માતા અને તેના કથિત માનેલા ભાઇએ મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્‍યુ

અમદાવાદ: અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી 7 વર્ષની બાળકી ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ હતી. 2 દિવસ પહેલા જ આ બાળકી ગુમ થઇ ગઇ હતી. જેના પગલે આ સમગ્ર કેસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા ગણત્રીના કલાકોમાં જ સમગ્ર કેસ ઉકેલી નાખવામાં આવ્યો હતો. બાળકીની માતા અને તેના કથિત માનેલા ભાઇ દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. બાળકીનો મૃતદેહ ઓગણજ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર 2 દિવસ પહેલા ગોતા હાઉસિંગ ખાતેથી 7 વર્ષની એક બાળકી ખુશી રાઠોડ ગુમ થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસ દોડતી થઇ હતી. આ અગાઉ ગાંધીનગરના સેક્ટર 5માંથી પણ એક બાળકી ગુમ થઇ હોવાથી કોઇ ગેંગ દ્વારા આ કામ થયું હોવાનું પોલીસ માની રહી હતી. સ્થાનિક પોલીસ પાસેથી કેસ લઇને ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઇમબ્રાંચે ગણત્રીના સમયમાં જ સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો હતો. ઓગણજ ટોલનાકા નજીકથી 7 વર્ષની બાળકી ખુશીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આરોપી મૃત બાળકી ખુશી રાઠોડનો પરિચિત હોવાનું સામે આવ્યું હતું. ખુશીની માતાનો માનેલા ભાઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું હાલ તો પોલીસનું માનવું છે. જો કે પોલીસ દ્વારા આ અંગે કોઇ જ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ બાળકીની માતાની પણ શંકાસ્પદ ભુમિકા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.  જો કે આ અંગે હજી વધારે તપાસ ચલાવાઇ રહી છે. અધિકારીઓ આ અંગે હાલ તો કંઇ પણ સ્પષ્ટ જણાવી રહ્યા નથી.

(4:30 pm IST)