ગુજરાત
News of Thursday, 16th September 2021

ઝોન-જ્ઞાતિનું સંતુલન રાખતું ગુજરાતનું નવુ મંત્રીમંડળઃ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા

અમદાવાદ, તા.૧૬: નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ કેવુ હશે તે હવે સામે આવી ગયુ છે. નવી કેબિનેટના જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન-જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતના લગભગ દરેક ઝોનને આવરી લેવામા આવ્યા છે. સાથે જ આ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્ત્।ર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.

ઝોન મુજબ વિશ્લેષણ કરીએ તો સૌરાષ્ટ્રના ૭ , કચ્છના ૧, ઉત્ત્।ર ગુજરાતના ૩, અમદાવાદ-ગાંધીનગરના ૨ (મુખ્યમંત્રી સહિત ગણીએ તો ૩), મધ્ય ગુજરાતના ૪ અને દક્ષિણ ગુજરાતના ૬ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. 'નો રિપીટ'થિયરીને વળગીને ભાજપે નવુ મંત્રીમંડળ બનાવ્યું છે. જેમાં યુવા અને અનુભવી બંને ચહેરાઓ જોવા મળી રહ્યાં છે.

(4:16 pm IST)