ગુજરાત
News of Thursday, 16th September 2021

અમદાવાદના વાડજમાં 3 વર્ષની બાળા ઉપર આધેડનું દુષ્‍કર્મઃ રમવાના બહાને લઇ ગયા બાદ કારસ્‍તાન કરનારને રેલ્‍વે પોલીસે ઝડપી લીધો

આરોપી વતનમાં જાય તે પહેલા પોલીસના હાથે દબોચી લેવાયો

અમદાવાદ: વાડજ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર એક આધેડએ દુષ્કર્મ આચર્યું છે. બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો હતો પરતું પોલીસે ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશનથી આધેડ ઝડપી લીધો.

તસવીરમાં જોવા મળતાં આધેડ રામશરણ ચૌહાણ છે. જેણે તેની દિકરીથી પણ નાની ઉંમરની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો બાળકીની હાલત જોઈને તેની માતા પિતાએ બાળકીને પૂછતા આ આધેડનો ભાંડો ફૂટ્યો. પરિવાર બાળકીને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે પણ દુષ્કર્મના ગંભીર ગુનાને લઈને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી.

આ દરમિયાન આરોપીને રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોતાના વતન જાય તે પહેલા જ પોલીસે પકડી લીધો. પકડાયેલા આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશ રહેવાસી છે. વતનમાં પત્ની અને બે દીકરીઓ રહે છે અને છેલ્લાં એક વર્ષથી અમદાવાદમાં રોજગારી માટે આવ્યો હતો. વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. આધેડ આરોપી પાડોશમાં સંબંધ બનાવીને આ બાળકીને રમાડવાના બહાને તેના ઘરે લઇ જઇ ગયો હતો.

જોકે અગાઉ પણ આ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ આધેડની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ત્યારે આ ફૂલ જેવી બાળકીને પણ મેડિકલ રિપોર્ટ કરાવી અને વધુ તપાસ શરૂ કરી છે. નિર્દોષ બાળકી પર થયેલા બનાવને જોતા ફરી એક વખત બાળકીઓની સલામતીને લઈને સવાલો ઉઠયો છે.

(4:55 pm IST)