ગુજરાત
News of Thursday, 16th September 2021

ભારતીય જ્ઞાન પ્રણાલી, કલા અને સંસ્કૃતિના સંવર્ધન પર વેબિનાર યોજાયો

વેબિનારમાં અનુભવી શિક્ષણવિદોએ ભારતીયતાની ભાવના સાથે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અને ભાષાઓને જ્ઞાન સાથે જોડવાની જરૂરિયાત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શિક્ષણ મંત્રાલય દ્વારા 'શિક્ષણ પર્વ -2021' અંતર્ગત ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 ના ભારતીય જ્ઞાન પ્રણાલી, કલા અને સંસ્કૃતિના સંવર્ધન પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, અમદાવાદ વિભાગના ડેપ્યુટી કમિશનર ડો.જયદીપ દાસે જણાવ્યું હતું કે વેબિનરમાં શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર, NCERT, રાજ્ય કક્ષાના SCERT, રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થા તથા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ ભાગ લીધો હતો.
ભારતીય જ્ઞાન પ્રણાલી કલા અને સંસ્કૃતિનો પ્રચાર માત્ર રાષ્ટ્ર માટે જ નહીં પરંતુ રાષ્ટ્રના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ છે.  શિક્ષણમાં તેમના રાષ્ટ્રના સાંસ્કૃતિક ઇતિહાસ, કલા, ભાષા અને પરંપરાની ભાવના અને જ્ઞાનનો વિકાસ કરીને જ બાળકોમાં સકારાત્મક સાંસ્કૃતિક ઓળખ અને આત્મસન્માનનું નિર્માણ કરી શકાય છે.
વેબિનારમાં અનુભવી શિક્ષણવિદોએ ભારતીયતાની ભાવના સાથે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અને ભાષાઓને જ્ઞાન સાથે જોડવાની જરૂરિયાત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જે ભારતની સાંસ્કૃતિક સંપત્તિના સંરક્ષણ અને વિશ્વમાં તેના પ્રચારને પ્રોત્સાહન આપવાની સર્વોચ્ચ પ્રાથમિકતા દર્શાવે છે. તેમણે જણાવ્યું કે સંસ્કૃતિ, સભ્યતા, કલા, વિવિધ પ્રાચીન વિજ્ઞાન અને ઇતિહાસ વગેરે ભારતીય ગૌરવપૂર્ણ પરંપરાના મહત્વના ભાગ છે, તેથી વર્તમાન પેઢીમાં તેના પ્રત્યે આદર અને જાગૃતિ આવવી જોઈએ. આ સંદર્ભમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા સમગ્ર દેશમાં ભારતીય જ્ઞાન પ્રણાલી, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો મજબૂત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(6:14 pm IST)