ગુજરાત
News of Monday, 16th November 2020

સિલિકોસિસ બીમારી : ખાટલે મોટી ખોટ મોત અને રોગી અંગે શ્રમ મંત્રાલય પાસે માહિતી નથી

સિરેમિકના કારખાનામાં કામ કરતાં શ્રમિકોને સિલિકોસિસની બિમારી લાગુ પડે

અમદાવાદ : રાજ્યમાં  સિરેમિકના કારખાનામાં કામ કરતાં શ્રમિકોને સિલિકોસિસની બિમારી લાગુ પડે છે. આ બિમારી માટે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગને સતર્ક બનાવ્યું છે છતાં સરકારના આ વિભાગ પાસે સિલિકોસિસના દર્દીઓ અંગે કોઇ સચોટ માહિતી નથી.

સિલિકોસિસ રોગ અંગે જાણકારી આપતા એક પર્યાવરણવિદ્દે કહ્યું હતું કે સિરામિક સાથે કામ કરતાં શ્રમિકોને લાંબાગાળે સિલિકોસિસની બિમારી લાગુ પડે છે. આ બિમારીમાં શ્વસનતંત્રના રોગ થાય છે. રાજ્યમાં કેટલા શ્રમિકોના મોત થાય છે અને કેટલા શ્રમિકો આ રોગનો ભોગ બન્યા છે તેનો આંકડો સરકારના આરોગ્ય વિભાગ પાસે નથી.

શ્રમિકો સિલિકોસિસનો શિકાર બને નહીં તે માટે ફેક્ટરી એક્ટમાં પર્યાપ્ત પ્રાવધાન છે પરંતુ કેટલીક ફેક્ટરીઓ તેનું પાલન કરતી નથી. સિરામિકમાં કામ કરતાં શ્રમિકોને કામના સમય દરમ્યાન શરીર અને ખાસ કરીને શ્વસનતંત્રને રક્ષણ મળે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે.

પર્યાવરણવિદ્દ જગદીશ પટેલ કહે છે કે ઔદ્યોગિક શહેર થાન અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માટીના વાસણો બનાવવાનો ઉદ્યોગ લાંબા સમયથી વિકસિત થયેલો છે. હવે તો સિરામિકના વાસણો પણ મળે છે. જો કે તેની બનાવટ પાછળ હજારો શ્રમિકો જીવનું જોખમ વહોરીને કામ કરતા હોય છે.

એકલા સુરેન્દ્રનગરમાં 20 હજાર શ્રમિકો સિરામિક ઇન્ડસ્ટીઝમાં કામ કરે છે. થાનગઢમાં સિરામિકની 180 ફેક્ટરીઓ આવેલી છે. આ શ્રમિકોમાંથી કેટલા સિલિકોસિસનો શિકાર બન્યા છે અને કેટલા લોકોના આ રોગથી મોત થયાં છે તેની ચોક્કસ વિગતો રાજ્યના શ્રમ અને આરોગ્ય વિભાગ પાસે નથી.

(1:16 pm IST)