ગુજરાત
News of Tuesday, 16th November 2021

રાજ્‍યમાં નોનવેજ અને ઇંડાની લારીઓ ઉપર પ્રતિબંધનો મુદ્દો ગરમાયોઃ અમુક લોકોએ નિર્ણય યોગ્‍ય ગણાવ્‍યોઃ અમુક લોકો કહી રહ્યા છે કે, હવે અમારે શું ખાવુ અને શું પીવુ એ પણ સરકાર નક્કી કરશે?

અમદાવાદ: રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધનો મુદ્દો જબરદસ્ત ગરમાયો છે. આજકાલ લોકોના મોઢે નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સોશિયલ મીડિયા પર ઘોડાપૂર ઉમટ્યું છે. અહીં લોકોના અલગ અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે. અમુક લોકોએ તો રીતસર કવિતા રચીને સરકારને સવાલો પૂછ્યા છે.  આ મુદ્દે અમુક લોકોએ પાલિકાના પક્ષમાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ત્યારે અમુક લોકો કહી રહ્યા છે કે હવે અમારે શું ખાવું અને શું પીવું તે પણ સરકાર નક્કી કરશે? તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક રમૂજી કોમેન્ટો જોવા મળી રહી છે. લોકો અલગ અલગ મીમ્સ બનાવીને પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે લોકોની કોમેન્ટ નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં પર વિચારવા મજબૂર કરી દે તેવો છે.

રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ એક પછી એક પાલિકાઓ ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે. જેથી આ મુદ્દો પેચીદો બનતો જઈ રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

બીજી બાજુ નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા અંગે ગુજરાતમાં રાજનીતિ પણ જોવા મળી રહી છે. અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે. નાગરિકે શું ખાવું શું નહી તેનો નિર્ણય પણ સરકાર કઇ રીતે કરી શકે? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ નિર્ણયને લાગુ પણ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોનવેજ અને ઇંડા અંગે  સ્પષ્ટતા કરતા સોમવારે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે. જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતિ ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.

(4:47 pm IST)