ગુજરાત
News of Sunday, 17th January 2021

અમદાવાદમાં 15 વર્ષની કિશોરીએ કંટ્રોલરૂમમાં ફોન કરી પોતાના પર રેપ થયાનો ઘટસ્ફોટ કર્યો

માતા-પિતાની ગેર હાજરીમાં ઘરમાં ઘૂસેલા હેવાન યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી પર બળાત્કાર કર્યો

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શનિવારે સવારે 15 વર્ષની કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા

અમરાઈવાડી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ખૂલેલી વિગત મુજબ માતા-પિતાની ગેર હાજરીમાં ઘરમાં ઘૂસેલા હેવાન યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી પર બળાત્કાર કર્યો હતો. જાનથી મારવાની ધમકી આપી ફરાર થઈ ગયેલા આરોપીને સબક શીખવાડવા કિશોરીએ પોલીસને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદ આધારે આરોપી વિરુદ્ધ પોકસો એકટ અને રેપની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સ્નેહલ બેન(નામ બદલ્યું છે)ના પરિવારમાં પતિ, બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. સ્નેહલબેન શાકભાજી વેચવાનો તેમજ પતિ સિલાઈ કામ કરી 3 સંતાનોનું અને પોતાનું ભરણપોષણ કરે છે.

સ્નેહલબેનના ત્યાં છેલ્લા 15 દિવસથી ડુંગળી-બટાકા લેવા માટે વસ્ત્રાલનો નીરજ વર્મા નામનો યુવક આવતો હતો. જેના કારણે આ નીરજ સાથે પરિચય થયો હતો. શનિવારે સવારે નીરજ વર્મા પોતાની રીક્ષા લઈ સ્નેહલબેનના ત્યાં આવ્યો હતો. સ્નેહલબેનને વાસણા ચીમનભાઈ માર્કેટ ખાતે સ્નેહલબેનને ડુંગળી બટાકા લેવા જવાનું હોવાથી તેઓએ નીરજ વર્માની રીક્ષા માંગી હતી.

નીરજ રીક્ષા મૂકી ત્યાંથી નીકળી ગયો હતો. સવારે 10 વાગ્યે સ્નેહલબેન, પતિ અને દીકરા સાથે રીક્ષામાં વાસણા જવા નીકળ્યા, જ્યારે ઘરે બન્ને દીકરીઓ એકલી હતી. બપોરે 12.30 વાગ્યે સ્નેહલબેન ઘરે પરત ફર્યા ત્યારે 15 વર્ષની દીકરી સૌમ્યા (નામ બદલ્યું છે) રડતી હતી. પતિ-પત્નીએ સૌમ્યાને પૂછપરછ કરતા તેણે રડતાં રડતા માતા-પિતાને જાણ કરી કે, તમે સવારે નીકળ્યા બાદ 10.30 વાગ્યે નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નીરજે મને બાથમાં લઈ મારા શરીર સાથે છેડછાડ કરી બળજબરીપૂર્વક મારા કપડાં કાઢી મારી સાથે બળાત્કાર કર્યો હતો અને બાદમાં જતા-જતા મને જાનથી મારવાની ધમકી આપી ફરાર થઈ ગયો છે. 

માતા-પિતા સાથે વાત કર્યા બાદ ખુદ સૌમ્યાએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોતાની સાથે બનેલા બનાવની જાણ કરતા કંટ્રોલરૂમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અમરાઈવાડી પોલીસે સ્થળ પર જઈ ભોગ બનનાર કિશોરી અને તેના માતા-પિતાને પોલીસ સ્ટેશન લાવી પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી હતી.

(11:09 am IST)