ગુજરાત
News of Sunday, 17th January 2021

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ : ઉતરાયણ પર્વેની ઉજવણી આ વર્ષે કોરોના મહામારીને પગલે covid-19 guidelines ના કારણે ખુબ જ સામાન્ય રહી હતી. જો કે નરોડામાં ઊતરાણ બાદ જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવવાની વાત કરીએ તો નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી.

જો કે જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો સામસામે આવી ગયા હતા. મામલો બિચકતા પથ્થરમારો પણ થયો હતો. પ્રાથમિક મળતી વિગતો અનુસાર પથ્થરમારામાં છ થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. જાહેર રોડ પર પથ્થરમારો થતા રસ્તો પણ કલાકો માટે બંધ થઇ ગયો હતો.

જોકે ઘટના અંગે નરોડા પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી કરતા કેટલાક શખ્સો સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થયા હતા. મામલો હજી તો શાંત પડ્યો ત્યાં કેટલાક લોકો ફરીથી અદાવત રાખી નરોડાના ફુવારા સર્કલ પાસે ફરી એક વ્યક્તિને મારી ફરાર થઈ ગયા હતા. આ મારનાર શખ્સો પણ ડોલ્ફિન સર્કલ પાસે હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ઇજાગ્રસ્તોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બંને પક્ષોની પોલીસ ફરિયાદ લઈ કાયદેસર કાર્યવાહી આદરી છે.

(12:04 pm IST)