ગુજરાત
News of Sunday, 17th January 2021

રાજ્યમાં કોવિડ વૅક્સીનનું રિએક્શન: છોટાઉદેપુરમાં રસી લીધા બાદ બે આશાવર્કરોની તબીયત લથડી

એક આશાવર્કરને ગભરામણ થઈને ચક્કર આવતા બોટલ ચડાવવી પડી : અન્ય એક આશાવર્કરને પેટમાં દુખાવાની ફરિયાદ

છોટા ઉદેપુર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસના ખાતમા માટે વૅક્સીનેશનનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પ્રથમ દિવસે 13,274 સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ફ્રન્ટ લાઈન વર્કર્સને વૅક્સીન  આપવામાં આવી. જો કે પહેલાથી જ કોરોના વૅક્સીનને  લઈને અનેક સવાલ ઉઠી રહ્યાં હતા કે, તે સુરક્ષિત છે કે કેમ; તેની સાઈડ ઈફેક્ટ કંઈ હશે? 24 કલાક વીત્યા બાદ હવે વૅક્સીન  લેનારા લોકો ફરિયાદ કરી રહ્યાં છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વેક્સીન લીધા બાદ બે આશાવર્કર બહેનોની તબીયત લથડી હતી.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ PHC સેન્ટર ખાતે વૅક્સીન લીધા બાદ એક આશાવર્કરને રિએક્શન આવતા ગભરામણ થઈને ચક્કર આવ્યા હતા. આથી તેમને બોટલ ચડાવવામાં આવી હતી. જે બાદ તેઓ સ્વસ્થ થઈ જતાં સાંજે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આવી જ રીતે બોડેલી તાલુકાના સુર્યાઘોડા વૅક્સીનેશન સેન્ટરમાં પણ એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવા અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી

  અત્રે ઉલેલ્ખનીય છે કે વૅક્સીનેશનના પ્રથમ તબક્કા માટે છોટા ઉદેપુર જિલ્લામાં 3 સેન્ટર્સ પર 64 ફ્રન્ટલાઈન વર્કર્સે વૅક્સીન મૂકાવી હતી. જેમાં સુસ્કાર PHC ખાતે 19, સૂર્યાઘોડા PHCમાં 15 અને પાલસંડા PHC ખાતે સૌથી વધુ 30 લોકોને વૅક્સીન આપવામાં આવી હતી.

(7:30 pm IST)