ગુજરાત
News of Sunday, 17th January 2021

અમદાવાદમાં સોલા પછી હવે વસ્ત્રાલમાં દીપડો દેખાતા વનવિભાગ એક્શન મોડમાં

વન વિભાગ દ્વારા જનતાને કામ વગર બહાર ના નીકળવા સૂચના

અમદાવાદ: બે દિવસ પહેલા ગાંધીનગરમાં દીપડો દેખાયા બાદ હવે અમદાવાદમાં પણ તેની દહેશત જોવા મળી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં દીપડો દેખાતા વન વિભાગ એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં દીપડો દેખાતા લોકોને વન વિભાગ દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. રાહુલ નાયક મંદિર પાસે દીપડા જેવું પ્રાણી દેખાતા વન વિભાગ દ્વારા જનતાને કામ વગર બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ બહાર નીકળો તો બેટરી અને લાકડી જેવા સાધનો સાથે રાખવાની સુચના પણ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે દોઢ મહિના પહેલા સાયન્સ સિટી વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો

વન વિભાગ દ્વારા લોકોને સાવચેત કરતા જણાવવામાં આવ્યુ છે કે, 16 જાન્યુઆરીના રોજ રાત્રી દરમિયાન દીપડાના પગ માર્ક (હાજરી) વસ્ત્રાલ આજુબાજુ જોવા મળેલ હોય જેથી ગામ લોકો તથા પશુ પાલકોને જાણ કરવામાં આવે છે કે ખુલ્લામાં સુવું નહીં તેમજ રાત્રી દરમિયાન અવર-જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેમજ અગત્યના કામે બહાર જવાનું થાય તે સમયે બેટરી જેવી વસ્તુ સાથે રાખવી તથા અવાજ થઇ શકે તેવી વસ્તુ સાથે રાખવી, જેથી કરી કોઇ જાન માલને હાની ન પહોચે

સાયન્સ સીટી વિસ્તારના હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે દીપડો આવ્યાના મેસેજએ સોલા પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી. પોલીસ ટીમ બનાવને પગલે દોડતી થઈ ગઈ હતી. સાયન્સ સિટી વિસ્તારના યુવકે તા.1-12-2020ના રોજ સવારે 8 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને રાત્રે દીપડો આવ્યાની વાત કરી હતી. મામલાને ગંભીરતાથી લેતા કન્ટ્રોલ રૂમમાંથી સોલા પોલીસ સ્ટેશનમાં મેસેજ ફોરવર્ડ કરાયો હતો, અને પોલીસ સ્થળે પહોંચી હતી. ફોન કરનારે સ્કેચ માર્ક બતાવી તે દીપડાના હોવાનું જણાવ્યું હતું. જે તે સમયે પોલીસને તપાસમાં દીપડો નહીં અન્ય જાનવરના સ્કેચ માર્ક હોવાનું લાગ્યું હતું. જોકે રામોલમાં દીપડાએ દેખા દિધીના સ્કેચમાર્ક અને ફૂટેજ મળ્યા બાદ દીપડાએ દોઢ મહિના અગાઉ સાયન્સ સીટી વિસ્તારમાં પણ લટાર માર્યાનો મેસેજ સાચો હોઈ શકે તેવું અનુમાન થઈ રહ્યું છે.

(9:26 pm IST)