ગુજરાત
News of Sunday, 17th January 2021

અમદાવાદમાં આજથી કોંગ્રેસનું મહા જન સંપર્ક અભિયાન

પાર્ટીના વ્હિપનો અનાદર કરનારની ટિકિટ કપાશે : કોંગ્રેસના કુલ ૨૭૦ આગેવાનો ૧૮મીથી ૨૮ જાન્યુઆરી સુધી ગામ અને વોર્ડ મુજબ જનસંપર્ક અભિયાન કરશે

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહા જન સંપર્ક અભિયાનનો આવતી કાલથી પ્રારંભ કરશે. આગામી ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઇઝ, જિલ્લામાં પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઇઝ તથા ૮૧ નગરપાલિકા વોર્ડ વાઇઝ પ્રદેશ કોંગ્રેસ જન સંપર્ક અભિયાન કરશે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસ પાર્ટી લોકો સુધી પહોંચવા માટે મહા જન સંપર્ક અભિયાન પ્રારંભ થશે .

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદના માહિતી આપતા કહ્યું હતુ કે ગુજરાતની વર્તમાન સ્થિતિ જોઇને લોકોની વાચા આપવા માટે કોંગ્રેસ આવતી કાલથી મહા જન સંપર્ક અભિયાન શરૂ કરશે. આ અભિયાન અંતર્ગત સામાન્ય લોકોનો અવાજ બુલંદ રીતે ઉજાગર કરવા માટે હેલ્લો કેમ્પેઇન શરૂ કરાયું હતું. જેનો સારો પ્રતિસાદ કોંગ્રેસ પક્ષને મળ્યો છે, સરકાર માત્ર જાહેરાત કરે છે પ્રજાના કામ થયા નથી. હેલ્લો કેમ્પેઇનના પગલે અનેક ફરિયાદ મળી છે. હેલ્લો કેમ્પેઇન બાદ હવે જન સંપર્ક અભિયાન શરૂ કરાયું છે. લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસ આયોજન કર્યું છે.

૨૭૦ આગેવાનો ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી સુધી ગામ અને વોર્ડ મુજબ સંપર્ક અભિયાન કરશે. ગ્રામીણ પ્રશ્નો અને શહેરી વિસ્તારોમાં પ્રશ્નો જન સંપર્ક અભિયાન અંતર્ગત ઉજાગર કરાશે. સમગ્ર ગુજરાતના ૧૦૯૬ જિલ્લા પંચાયત સીટ, ૫૨૭૪ તાલુકા પંચાયત સીટ અને ૮૧ નગરપાલિકાઓ મહા જન સંપર્ક અભિયાન થશે. કોંગ્રેસ દસ દિવસમાં કુલ ૫૨૭૪ સભાઓ યોજશે. કોંગ્રેસ પ્રભારી સાતવે ચૂંટણી પહેલા ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવાર માટે સળવળતો જવાબ આપ્યો હતો. સાતવે કહ્યું હતું કે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે. આ વખતે ૫૦ ટકા નવા ચહેરાઓને ટિકિટ અપાશે. વર્તમાન ચૂંટાયેલ પ્રતિનિધિઓને કામ આધારે રિપીટ ટિકિટ અપાશે. સ્થાનિક કક્ષાએ રિપેટ ન કરવા સૂચના પણ આપી છે . નવા ચહેરાને ટિકિટ અપાશે. જે કાઉન્સિલર અને સભ્ય કામ કર્યું હશે તેને રિપીટ કરાશે. પાર્ટી વ્હિપ ઉલ્લંઘન કરાશે તેઓને ટિકિટ અપાશે નહી.

(9:43 pm IST)