ગુજરાત
News of Monday, 17th January 2022

ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત : પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ

સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં:પૂર્વ મંત્રી સહિત ઘરના તમામ સભ્યો પોતાના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા:સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવા અપીલ કરી

અમદાવાદ :રાજ્યના તમામ જિલ્લામાં કોરોના તેજ ગતિથી પ્રસરી ચૂક્યો છે. તેવામાં હવે ભાજપના નેતાઓ એક બાદ એક કોરોના સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. રાજ્યના અનેક નેતા, ધારાસભ્ય, મંત્રી અને કાર્યકર્તાઓને કોરોનાનું સંક્રમણ થયું છે. ગઇકાલે રાજ્યના મંત્રી અને પૂર્વ રાજ્યપાલને કોરોના થયો હતો,જેમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કોરોના પોઝિટીવ આવ્યા હતા.ત્યારે આજે ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. જોકે આ લહેરમાં તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. પૂર્વ મંત્રી સહિત ઘરના તમામ સભ્યો પોતાના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવા અપીલ કરી છે.

અગાઉ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગોરધન ઝડફિયા, કુંવરજીભાઈ  બાવળિયા, અક્ષય પટેલ, અરવિંદ પટેલ, અનિલ જોશીયારા, યોગેશ પટેલ, પરસોત્તમ સાબરિયા, નીતિનભાઈ ભારદ્રાજ અને મનીશ ચાંગેલા કોરોના અને ભરત બોઘરા સહિત ભાજપના અનેક નેતા, ધારાસભ્ય અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બરના રોજ પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં ભાજપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો પોસ્ટ કરતા વિવાદ થયો હતો. કોરોના અને ઓમિક્રોનને આમંત્રણ આપતા આ વીડિયો બાદ અનેક સવાલો ઉભા થયા હતા. કોરોના વચ્ચે સૌરભ પટેલે હજારોની સંખ્યામાં લોકોને ક્રિકેટ ગ્રાઉન્ડમાં એકઠા કર્યા હતા.

ક્રિકેટ ટૂર્નામેન્ટ અંગે સૌરભ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે બોટાદમાં હજુ એક પણ કેસ નથી. ધારણા કરતા વધુ ભીડ સ્વયંભૂ રીતે એકઠી થઈ ગઈ હતી. ત્યારે હવે તેઓ ખુદ કોરોના પોઝિટિવ આવ્યા છે.

(7:12 pm IST)