ગુજરાત
News of Monday, 17th January 2022

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા લેબોરેટરીમાં ધસારોઃ રિપોર્ટ માટે જોવી પડે છે ૧૨-૧૨ કલાક સુધી રાહ

મોટી સંખ્યામાં લોકો RT-PCR ટેસ્ટ કરાવવા લેબમાં જાય છે

અમદાવાદ,તા.૧૭:  લગભગ ૧૫-૧૬ ડિસેમ્બર સુધી અમદાવાદ શહેરની લેબોરેટરીમાં જે લોકો આરટી-પીસીઆર ટેસ્ટ માટે આવતા હતા તે એવા લોકો હતા જેમને વિદેશ જવાનું હોય અથવા અન્ય કોઈ કારણોસર આરટી-પીસીઆર રિપોર્ટની જરુર હોય. એવા કેસ તો ભાગ્યે જ જોવા મળતા હતા કે દર્દીને કોરોનાના લક્ષણો જણાયા હોય અને ટેસ્ટની જરુર પડી હોય. તે સમયે RT-PCRના રિપોર્ટ છથી આઠ કલાકમાં મળી જતો હતો. પરંતુ એક મહિનાથી પણ ઓછા સમયમાં પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે.

શહેરની મોટાભાગની ખાનગી લેબોરેટરીમાં કામનું ભારણ બમણું થઈ ગયું છે. શહેરમાં કોરોનાના વધતા કેસની સાથે સાથે લેબ કર્મચારીઓનું કામ પણ વધી ગયું છે. પરિણામે RT-PCRનો રિપોર્ટ તૈયાર કરવામાં પણ સમય લાગે છે. દ્યણીવાર તો રિપોર્ટ આવવામાં ૧૨ કલાક જેટલો સમય લાગી જાય છે. લગભગ આખા શહેરમાંથી જ સેમ્પલ્સ આવતા હોય છે અને નાના બાળકોથી લઈને વૃદ્ઘો સુધી, તમામ ઉંમરના લોકોના કેસ સામે આવી રહ્યા છે

અમદાવાદ શહેરમાં સ્થિત એક પેથોલોજી લેબોરેટરીના માલિક ડોકટર મુકેશ મહેશ્વરી જણાવે છે કે, દરરોજ કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. પરિણામે ટેસ્ટનું પરિણામ મેળવવાના સમયમાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે. અમુક ખાનગી લેબોરેટરીમાં તો ટેસ્ટનો પોઝિટિવિટી રેટ ૩૫ ટકાથી પણ વધારે છે. અમારી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને અપીલ છે કે મોટી સંખ્યામાં લોકોના કોરોના ટેસ્ટ કરાવવા જોઈએ. હોટસ્પોટ વાળા વિસ્તારમાં તો ખાસ આ પ્રક્રિયાને તેજ કરવી જોઈએ જેથી નવા કેસની ઓળખ વહેલી તકે થઈ જાય અને તેમને આઈસોલેશનમાં મોકલી શકાય.

ગઇ કાલના ડેટા અનુસાર, અમદાવાદમાં કુલ ૧૧,૭૭૨ લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા, જેમાંથી ૩૩૧૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ પરથી કહી શકાય કે અત્યારે અમદાવાદ શહેરમાં પોઝિટિવિટી રેટ ૨૮.૨ ટકા છે. સરખામણીમાં, ગુજરાતનો TPR ગઇ કાલે ૧૦.૫ ટકા હતો.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૧૦૧૫૦ કેસો નોંધાયા છે અને સામે ૬૦૯૬ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં કોરોનામાંથી સાજા થવાનો દર ૯૨.૦૪ ટકા નોંધાયો છે. રાજયમાં આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં કુલ ૧,૩૮,૫૩૬ વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૫૨૪૭૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જયારે કુલ મૃત્યુઆંક ૧૦૧૫૯ પર પહોંચ્યો છે. ગુજરાતમાં એકિટવ કેસો ૬૩૬૧૦ છે જેમાં ૮૩ દર્દી વેન્ટિલેટર પર જયારે ૬૩૫૨૭ દર્દીઓ સ્ટેબલ છે.

(10:23 am IST)