ગુજરાત
News of Monday, 17th January 2022

હોટેલ ઇન્ડસ્ટ્રીઝને ટકી રહેવા ટેક અવે, હોમ ડિલિવરીનો સમય વધારવા માંગણી

કોરોનાના થર્ડ વેવને પગલે ધંધાર્થીઓને ભારે ફટકોઃ રાત્રે ૧૦ વાગ્યે કરફયુ માઠી અસર પડી : ધંધો ઘટીને ૪૦ થી ૫૦ ટકા થયો

અમદાવાદ,તા. ૧૭: છેલ્લા કેટલાક સમયથી કોરોનાના થર્ડ વેવને પગલે અમદાવાદ સહિત ગુજરાતની હોટેલ અને રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રિઝને ભારે ફટકો પડયો છે. થર્ડ વેવને કારણે રાજય સરકારે રાત્રે ૧૦ વાગ્યાથી કરફ્યૂ સહિતના કડક નિયંત્રણો લાદી દેતા હોટેલ અને રેસ્ટોરાંનો દરરોજનો વકરો ઘટીને ૪૦ ટકા થઈ ગયો છે. હોટેલ અને રેસ્ટોરાંનો મોટાભાગનો ધંધો રાત્રિનો હોય છે, પરંતુ થર્ડ વેવને કારણે રાત્રિ કરફ્યૂ ૧૦ વાગ્યાનો હોવાથી ૯:૩૦ કલાકે બંધ કરવી પડે છે. હોમ ડિલિવરી અને ટેક અવેનો ઓર્ડર પણ ઘટી ગયા છે. હોટેલો, રેસ્ટોરાં અને ડાઈનિંગ હોલમાં ફિકસ થાળી માટે જનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર દ્યટાડો થઈ જવાને કારણે હોટેલ ઈન્ડસ્ટ્રી ભારે હાલાકીમાં મૂકાઈ છે અને આગામી દિવસોમાં આ સેકટર વધુ મુશ્કેલીમાં મૂકાય તેવી શકયતા છે.

અમદાવાદ સહિત રાજયમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કરોડોનું નુકસાન વેઠીને છેલ્લા કેટલાક મહિનાથી માંડ માંડ ઊભા થઈ રહેલાં હોટેલ અને રેસ્ટોરાં સેકટર પર કોરોનાના થર્ડ વેવને કારણે માઠી અસર પડી છે. ધંધો પણ ૫૦ ટકા થઈ જવાને કારણે કર્મચારીઓના પગાર કરવા સહિતના ફિકસ ખર્ચા પણ માલિકો માંડ માંડ કાઢી રહ્યા છે. હોટેલ-રેસ્ટોરાં એસોસિએશન, ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, લોકોમાં ભયનો માહોલ દૂર કરવો જોઈએ અને હોટેલ અને રેસ્ટોરાંને મોડી રાત સુધી ચાલે તે માટે પરવાનગી આપવી જોઈએ.

મહેતા રેસ્ટોરાંના અશ્વિન મહેતાએ જણાવ્યું કે, મોટાભાગની હોટેલો અને રેસ્ટોરાં શનિવાર અને રવિવારે જ ચાલે છે. બાકીના દિવસોમાં ધંધો ખૂબ જ ઓછો હોવાથી મેઇન્ટેનન્સ ખર્ચ માંડ નીકળી શકે છે. ભાડાની પ્રિમાઇસીસમાં ચાલતી રેસ્ટોરાં ચલાવવી મુશ્કેલ બની છે. 'આહાર'એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે કહ્યું કે, હોટેલ ઉદ્યોગનો ૫૦ ટકા ધંધો ઠપ થઈ ગયો હોવાથી આ સેકટરને ટકી રહેવા હોમ ડિલિવરીનો સમય વધારવો જોઈએ.

(10:24 am IST)