ગુજરાત
News of Monday, 17th January 2022

ખેડૂતોને અભૂતપૂર્વ ભાવ મળતા ૨૦૨૨માં કપાસનું વાવેતર વધશે

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું ૧૫૩૪૩ અને કપાસનું ૧૫૬૦૩ હેકટરમાં વાવેતર થયેલ : સરકારના ટેકાથી મગફળી મણે રૂ. ૧૨૦૦ સુધી પહોંચી : ઉપજની અછતના કારણે કપાસ ૨૨૦૦ સુધી આંબી ગયો

રાજકોટ તા. ૧૭ : ગુજરાતના ખેડૂતો ભૌગોલિક સ્થિતિ, બજારની જરૂરીયાત વગેરે બાબતો ધ્યાને લઇને વાવેતર કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાક તરીકે મુખ્યત્વે કપાસ અને મગફળી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે મગફળીના વાવેતર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરેલ. આ વખતે કપાસના અભૂતપૂર્વ ભાવ મળતા ૨૦૨૨ના વર્ષમાં ચોમાસામાં ખેડૂતો કપાસ કરતા મગફળી વધુ વાવે તેવો વર્તારો છે.

ગઇ ખરીફ ઋતુમાં સૌરાષ્ટ્રમાં ૧૫૩૪૩ સહિત રાજ્યમાં કુલ ૧૯૦૯૭ હેકટરમાં મગફળીનું વાવેતર નોંધાયેલ. કપાસનું વાવેતર સૌરાષ્ટ્રમાં ૧૫૬૦૩ અને સમગ્ર રાજ્યમાં ૨૨૫૪૦ હેકટરમાં થયેલ. સૌરાષ્ટ્રમાં બન્ને પાક વાવેતરની દ્રષ્ટિએ લગોલગ રહ્યા છે. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરેલ. તેને ઓછો પ્રતિસાદ મળેલ પણ સરકારના ટેકાના કારણે ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રોત્સાહક ભાવ મળેલ. આ વર્ષે મગફળી ખુલ્લા બજારમાં રૂ. ૧૦૦૦ થી ૧૨૦૦ સુધી વેંચાયેલ છે. મણે સરેરાશ રૂ. ૪૦૦ જેટલો નફો રહ્યો છે. દિવાળી પછીના વરસાદના કારણે મગફળી અને કપાસ બન્નેને નોંધપાત્ર નુકસાન થયેલ છે.

કપાસનું વાવેતર જૂનમાં થયેલ બે મહિનાથી બજારમાં આવી રહ્યો છે. આ વખતે ખેડૂતોને મણ કપાસના રૂ. ૨૨૦૦ સુધી ઉપજ્યા છે. આ ભાવ અભૂતપૂર્વ ગણાય છે. વરસાદથી કપાસને નુકસાન થયેલ. વાવેતર અને ઉત્પાદન મર્યાદિત રહ્યું હોવાથી કપાસના ભાવમાં જંગી ઉછાળો આવેલ. કપાસનું વાવેતર કરી સારી રીતે ઉછેરી શકેલા ખેડૂતો ખાટી ગયા છે. ખેડૂતોને એક ઉપજમાં બહુ સારા ભાવ મળે તે ઉપજ તરફ બીજા વર્ષે વધુ આકર્ષાય તે સ્વાભાવિક છે. આ વખતના કપાસના ભાવ જોતા સૌરાષ્ટ્રના ખેડૂતો આવતા ચોમાસામાં કપાસના વધુ વાવેતર તરફ વળે તેવું અનુમાન કૃષિ ક્ષેત્રના વર્તુળો કરી રહ્યા છે. ખેડૂતો જે તે વખતના સમય સંજોગો મુજબ આખરી નિર્ણય લેતા હોય છે.

(10:24 am IST)