ગુજરાત
News of Monday, 17th January 2022

ઉતરાયણ પૂરી થતાં લગ્નસરો શરૂ : ૧૫૦ લોકોના જાહેરનામાને લઇને ચિંતા

કોરોના વધતા બજારમાં જે રીતે ખરીદી શરૂ થઇ હતી તેમાં પણ થોડો ઘણો કાપ મૂકાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે

અમદાવાદ તા. ૧૭ : ઉતરાણ પૂરી થતાની સાથે જ લગ્નસરો શરૂ થઈ ગયો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લગ્નો અને શુભ પ્રસંગોના મુહૂર્ત હોવાથી હવે શુભ પ્રસંગો શરૂ થઈ જશે. જોકે ફરી એક વખત કોરોનાએ માથું ઉંચકતા સરકાર દ્વારા ગણતરીના માણસોને જ લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગોમાં લાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જેને કારણે જેમના ઘરે લગ્ન પ્રસંગો છે તેઓ હવે ચિંતિત છે કે કોને બોલાવવા અને કોના ઉપર કાપ મૂકવો? ધણા પરિવારે તો ગત વર્ષે કોરોનાના કહેરને કારણે ધામધૂમથી લગ્ન થઈ શકે નહીં તેના માટે એક વર્ષ બાદ લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો અને ચાલુ વર્ષે કોરોનાનું જોર ઘટતા લગ્ન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી લોકોને આમંત્રણ પણ આપી દીધા હતા હવે ગણતરીના માણસો જ બોલાવવાના જાહેરનામાને લઈને તેઓ ચિંતિત છે.

દિવાળી બાદ કોરોનાનું જોર ગુજરાતમાં લગભગ નહિવત થઇ ગયું હતું. જેને કારણે જે પરિવારના સંતાનોના ચાલુ વર્ષે લગ્નના આયોજન કરવામાં આવ્યા હતા તેમણે લગ્ન માટેની તમામ તૈયારીઓ કરી દીધી હતી. લગ્ન માટેના પાર્ટી પ્લોટ હોલ કે હોટલ બુક થઈ ગયા હતા ચોક્કસ લોકોના જમણવાર માટેના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. લગ્નની પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યા સહિતની કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. હવે તમામ કાર્યક્રમમાં ગણતરીના માણસો જ આવી શકશે તેવા જાહેરનામાને લઈને સૌ ચિંતિત છે.

નારણપુરામાં રહેતા ગૌરીબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની દીકરીની દીકરીના લગ્ન માટે બધી તૈયારીઓ કરી દેવાઈ હતી હવે ગણતરીના માણસો જ બોલાવવાનો નિયમ આવતાં તેઓ ચિંતિત છે કે કોને બોલાવવા અને કોને ટાળવા.

જોકે એક જમણવારના બદલે તેમણે બપોરે અને સાંજે અલગ- અલગ જમણવારના આયોજન કર્યા છે. પોતાના ઘરે સામાજિક કાર્યક્રમનું આયોજન કરનાર રોહિત પટેલ પણ ગણતરીના માણસોની ઉપસ્થિતિવાળા જાહેરનામાને લઈને ચિંતિત છે. કોરોના વધતા બજારમાં જે રીતે ખરીદી શરૂ થઈ હતી તેમાં પણ થોડો ઘણો કાપ મૂકાયો હોવાનું વેપારીઓ જલાવી રહ્યા છે. કેટરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને પણ લગ્નમાં ઓછા માણસો બોલાવવા ના જાહેરનામાને પગલે ખાસ્સું નુકસાન જાય તેમ લાગી રહ્યું છે.

(10:25 am IST)