ગુજરાત
News of Monday, 17th January 2022

દારૂના નશામાં પીધેલા ભાન ભૂલ્યા:દમણમાં પીધેલાકારચાલકે બે કાર અને ત્રણ બાઈકને ઉડાડ્યા

આ અકસ્માત સમયે પાંચેય વાહનો કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી :અકસ્માતો ઉપર અંકુશ આવે તે માટે દમણ પોલીસે ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનુ અભિયાન હાથ ધરી આકસ્મિત ચેકીંગ કરે તે જરૂરી બન્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ :  દમણમાં રાજ્ય તેમજ રાજ્ય બહાર થી લોકો આવતા હોય છે ખાસ કરીને શનિ-રવિવારે લોકો પસંદ કરતા હોય છે જ્યારે અકસ્માતોની વણઝાર પણ આ દિવસે થતી હોય છે ત્યારે પોલીસે શનિ-રવિવારે ખાસ પીધેલોને પકડવા કાર્યવાહીની જરૂરિયાત છે
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દેવકા રોડ પર આવેલી મરવડ સરકારી હોસ્પિટલ સામે એક પીધેલા કાર ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવતા એક ઇનોવા, એક ઈકો સ્પોર્ટ્સ કાર અને 3 બાઈક મળી કુલ 5 વાહનોને અડફેટે લીધા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો, ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે મદદ કરવા દોડી આવ્યા હતા.ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા પોલીસે પીધ્ધડ કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
 વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દેવકા તરફથી નાની દમણ તરફ જતી સુરત પાસિંગની એક શેવરોલે એન્જોય કાર નંબર GJ-05-JL-9461ના કાર ચાલક મરવડ હોસ્પિટલ નજીક પહોંચ્યો ત્યારે રોડ પર અચાનક એક પશુધન આવી જતા કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પહેલા પશુધનને ટક્કર મારી હતી, જે બાદ મરવડ હોસ્પિટલની સામે પાર્ક કરેલી ઇનોવા કાર નંબર DD-03–K-2012 અને એક ઈકો સ્પોર્ટ્સ કાર નંબર. GJ-05-RE-4490 સહીત અન્ય ત્રણ બાઇકોને પણ અડફેટે લીધી હતી, જો કે આ અકસ્માત સમયે પાંચેય વાહનો કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી, તેમજ અકસ્માત સર્જનાર કારમાં સવાર સુરતના પરિવારનો પણ હેમખેમ બચાવ થયો હતો, પરંતુ અકસ્માત પામેલ પાંચેય વાહનોને મોટું એવું નુકસાન પહોંચ્યું હતું, જેના વળતર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 અકસ્માત સર્જ્યા બાદ સુરતનો કાર ચાલક કાર છોડીને તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, દમણની મોટા ભાગની હોટલો દેવકા વિસ્તારમાં આવેલી હોય એટલે આ માર્ગ 24 કલાક સહેલાણીઓના વાહનોની અવરજવરથી ધબકતો રહે છે, જેમાં ઘણીવાર અહીં ફરવા આવેલા સહેલાણીઓ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરીને અકસ્માત સર્જી બેસતા હોવાના બનાવો છાસવારે નોંધાતા હોય છે, સહેલાણીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે હંમેશા સચેત રહેતી દમણ પોલીસ દ્વારા વારે તહેવારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ વિરૃદ્ધ અભિયાનો પણ ચલાવવામાં આવે છે, છતાં સહેલાણીઓ સુધરવાનું નામ લેતા નથી, સહેલાણીઓ અને સ્થાનિક લોકો વચ્ચે આ બાબતે અવારનવાર મારામારીના બનાવો પણ બનતા રહે છે, અને મિલ્કતોને પણ ઘણું નુકસાન થતું રહે છે, ત્યારે આવા અકસ્માતો ભલે જડમૂળથી બંધ ન થાય પણ આવા અકસ્માતો ઉપર અંકુશ આવે તે માટે દમણ પોલીસે ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનુ અભિયાન હાથ ધરી અકસ્મિત ચેકીંગ હાથ ધરતા હોય છે.

(11:32 am IST)