ગુજરાત
News of Monday, 17th January 2022

લ્યો બોલો... વાતાવરણ ફરી અસ્થિર બનશેઃ શુક્ર- શનિ ઝાકળવર્ષા

રાજસ્થાન આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે જેની અસરથી છાંટાછુટી કે હળવા ઝાપટાની શકયતા : ગુરૂવાર સુધી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો, બાદ ધીમે- ધીમે ફરી ૨૨મી વધતી જશેઃ બાદ ઠંડીનો નવો રાઉન્ડ

રાજકોટ,તા.૧૭: છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો થતાં રાહત થઈ છે. આ સપ્તાહ દરમ્યાન ઠંડીમાં હજુ પણ ક્રમશઃ ઘટાડો જોવા મળશે. લઘુતમ અને મહતમ તાપમાનમાં પણ વધારો થતો જશે. આ સપ્તાહના અંતીમ દિવસોમાં ઝાકળવર્ષા થશે. તો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજયમાં છાંટાછુટી કે હળવા વરસાદની શકયતા છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહયો છે. આજે ન્યુનતમ તાપમાન ૧૩.૩ ડીગ્રી નોંધાયું છે.

વેધરની ખાનગી સંસ્થાએ જણાવેલ કે ગત તા.૮ સાંજથી રાજયમાં ઠંડીનો સારો રાઉન્ડ ચાલુ થયેલ. છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહયો છે. તા.૨૦ જાન્યુઆરી સુધી ઉતરોતર ઠંડી ઘટવામાં રહેશે. બપોરનું તાપમાન પણ વધવામાં રહેશે. જે તા.૨૦ સુધીમાં લઘુતમ અને મહતમ તાપમાન ક્રમશઃ વધીને નોર્મલથી વધુ ને વધુ ઉપર આવતું જશે. ટુંકમાં તા.૧૭ થી તા.૨૦ સુધી ઠંડી ક્રમશઃ ઘટતા વધુ મોટી રાહત મળતી જશે.

બાદ ધીમે પગલે આંશિક ઠંડી વધતી જશે. ફરી રાજયના વિસ્તારોમાં તા.૨૨ જાન્યુઆરીના રાતથી ઠંડીનું પ્રમાણ વધી જશે. બાદ ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે.

તા.૨૦થી પવનો ઉતર પશ્ચિમ પવનો બાદ ભેજયુકત પશ્ચિમી પવનો ફુંકાશે. તેની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ લાગુ વિસ્તારમાં તા.૨૧/૨૨માં ઝાકળવર્ષા જોવા મળશે. તા.૨૩માં ભેજયુકત પવનોનું પ્રમાણ ઘટશે.

તા.૨૧/૨૨ શુક્ર- શનિ ઉતરીય રાજસ્થાન આસપાસ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આનુસંગીય ૧.૫ કી.મી. લેવલનું સાઈકલોનિક સરકયુલેશન પસાર થશે. તેની અસરથી બોર્ડર લાગુ તેમજ દરીયાઈ કોસ્ટલ વિસ્તારમાં વાતાવરણ સામાન્ય અસ્થિર બની શકે છે.

રાજયમાં વાદળો છવાય છાંટા છુંટી કે હળવા ઝાપટા, છુટા છવાયા વાદળો જોવા મળી શકે છે.

(11:33 am IST)