ગુજરાત
News of Monday, 17th January 2022

વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ હત્યાનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર: દોડધામ

પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી

વડોદરા :સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે.

 

મળેલી પ્રાથમિક વિગત મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતા અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત બગડતા વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જાપ્તા સાથે દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીને મોડી રાત્રે મોકો મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી હત્યાનો આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયો. સારવાર દરમિયાન આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયાની જાણ જાપ્તાની પોલીસને થતાં તેમણે રાવપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી.

 

આ દરમિયાન રાવપુરા પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર પોલીસને કરી હતી. પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે. આ બનાવે હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકી હતી.

(12:35 pm IST)