ગુજરાત
News of Monday, 17th January 2022

પશુધન વચ્ચે આવી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યોઃ પાંચ વાહનો હડફેટે લીધા

વલસાડઃ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના દેવકા તરફથી નાની દમણ તરફ જતી સુરત પાસિંગની એક શેવરોલે એન્જોય કાર ચાલક મરવડ હોસ્પિટલ નજીક પહોંચ્યો ત્યારે રોડ પર અચાનક એક પશુધન આવી જતા કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પહેલા પશુધનને ટક્કર મારી હતી, જે બાદ મરવડ હોસ્પિટલની સામે પાર્ક કરેલી ઇનોવા કાર નંબર અને એક ઈકો સ્પોર્ટ્સ કાર નંબર સહીત અન્ય ત્રણ બાઇકોને પણ અડફેટે લીધી હતી, જો કે આ અકસ્માત સમયે પાંચેય વાહનો કે તેની આસપાસ કોઈ વ્યકિત હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી, તેમજ અકસ્માત સર્જનાર કારમાં સવાર સુરતના પરિવારનો પણ હેમખેમ બચાવ થયો હતો, પરંતુ અકસ્માત પામેલ પાંચેય વાહનોને મોટું એવું નુકસાન પહોંચ્યું હતું, અકસ્માત સજર્યા બાદ સુરતનો કાર ચાલક કાર છોડીને તાત્કાલિક દ્યટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, દમણની મોટા ભાગની હોટલો દેવકા વિસ્તારમાં આવેલી હોય એટલે આ માર્ગ ૨૪ કલાક સહેલાણીઓના વાહનોની અવરજવરથી ધબકતો રહે છે, જેમાં ઘણીવાર અહીં ફરવા આવેલા સહેલાણીઓ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરીને અકસ્માત સર્જી બેસતા હોવાના બનાવો છાસવારે નોંધાતા હોય છે, સહેલાણીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે હંમેશા સચેત રહેતી દમણ પોલીસ દ્વારા વારે તહેવારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ વિરૂદ્ઘ અભિયાનો પણ ચલાવવામાં આવે છે, છતાં અમુક સહેલાણીઓ સુધરવાનું નામ લેતા નથી આ બાબતે અવારનવાર મારામારીના બનાવો પણ બનતા રહે છે. (કાર્તિક બાવીશી)

(2:40 pm IST)