ગુજરાત
News of Monday, 17th January 2022

અમદાવાદમાં એક જ દિવસમાં વધુ 85 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા અત્‍યાર સુધીમાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત થવાનો આંકડો 351એ પહોંચ્‍યો

કૃષ્‍ણનગર, સોલા, ખોંખરા પોલીસ સ્‍ટેશનમાં સૌથી વધુ કોરોના કેસ

અમદાવાદ: શહેર પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. એક જ દિવસમાં 85 પોલીસકર્મી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 351 સુધી પહોંચ્યો છે. જેમાં એસીપી, પીઆઇ સહિત અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે. મોટાભાગના લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમામએ કોરોના કાળમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ફ્રન્ટ લાઈન વોરિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે જે તે સમયની કોરોના ની લહેરમાં અનેક પોલીસકર્મી ઓ કે અધિકારીઓ એ જીવ પણ ગુમાવ્યો અને શહીદ થયા. ત્યારે હાલ ચાલી રહેલી લહેરમાં ફરી એક વાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઝપેટમાં આવ્યા છે. જેમાં 2 એસીપી,3 પીઆઇ અને 12 થી વધુ પીએસઆઇ સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી માત્ર બે લોકો માત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જોકે કોરોનાથી સંક્રમિત થતા અટકાવવા વેકસિનેશનને વધુ વેગ અપાયો છે અને હાલ શહેર પોલીસને પ્રિકોશનર ડોઝ અપાઈ રહ્યો છે. રોજેરોજના પ્લાનિંગ મુજબ પોલીસ સ્ટેશન દિઠ રસીના ડોઝ અપાઈ રહ્યા છે. તમામ કોરોના સંક્રમિત અધિકારીઓ કર્મીઓ માત્ર હોમ આઇસોલેટ છે. જેઓની તબિયત માટે રોજેરોજ કમિશનર કચેરીથી અપડેટ મેળવવામાં આવી રહ્યું છે. જો કોઈને વધુ લક્ષણો દેખાય તો તે મુજબ તેઓને ટ્રીટમેન્ટ આપવા માટે અધિકારીઓ ફરજ બજાવે છે.

જોકે હજુ સુધી કોઈને ગંભીર લક્ષણો ન હોવાનું ધ્યાને આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આંકડાકીય માહિતી મુજબ કૃષ્ણ નગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે.

(4:46 pm IST)