ગુજરાત
News of Monday, 17th January 2022

સુરતમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ બાદ ખાસ ઓફરઃ 500 ગ્રામ દોરીની ગૂંચ સામે 500 ગ્રામ ખમણ અને 1 કિલો દોરીની ગૂંચ સામે 1 કિલો સાદા ખમણ અથવા ચિઝ રોલ લોચો ફ્રી આપવાની જાહેરાત

રસ્‍તામાં પડેલા દોરાથી જીવ હિંસા કે અકસ્‍માત ન થાય તે માટે ઓફર

hoto: 05

સુરત: ઉત્તરાયણ આમ તો 14 જાન્યુઆરીએ ઉજવાય છે. પણ આ વર્ષે આવેલા ઉત્તરાયણમાં લોકોએ એક દિવસ નહિ પણ ત્રણ દિવસ મજા માણી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ બાદ કપાયેલા પતંગ અને ધારદાર દોરા ગમે ત્યાં લટકેલા જોવા મળે છે. ઝાડ પર ઇલેક્ટ્રિક વાયર પર, રસ્તામાં રઝળતા પડેલા નકામા પતંગ અને દોરાના કારણે અનેક નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે સુરતમાં એક જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ અનોખી ઓફર લઈને ચર્ચામાં આવ્યા છે.

ઉત્તરાયણ બાદ સુરતના જીવદયા પ્રેમીએ લોકોને એવી ઓફર આપી છે જેમાં 500 ગ્રામ દોરીની ગૂંચ સાથે 500 ગ્રામ ખમણ ફ્રી આપવાની તેમજ 1 કિલો દોરીની ગૂંચ સાથે 1 કિલો સાદા ખમણ અથવા ચીઝ રોલ લોચો ફ્રી માં આપવાની જાહેરાત કરી છે.

જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતાએ જણાવ્યું હતું કે આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવાય છે પણ આ તહેવાર પછી દોરાની ગૂંચ ગમે ત્યાં પડી રહે છે. જેના કારણે પશુપંખીઓ સહિત ઘણીવાર અકસ્માતો થવાની સંભાવના રહે છે. અમે લોકોના સહયોગ થકી આ ઓફર વિચારી હતી. આ ઓફર અમે 20 જાન્યુઆરી સુધી રાખી છે અને રવિવારથી જ લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

સુરતના જીવદયા પ્રેમી અને ફરસાણ વિક્રેતા વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલાવે છે. તેમની આ ઓફર થકી પક્ષીઓને પણ ઝાડ પર કે વાયર પર લટકતા દોરાથી અને લોકોને અકસ્માતથી દૂર રાખી શકાશે.

(4:51 pm IST)