ગુજરાત
News of Monday, 17th January 2022

મહેસાણા :ધાનેરાથી થરાદ જતા હાઇવે નજીક ટ્રેકટર-કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના ચાર સભ્યોના મોત

મહેસાણા: ધાનેરાથી થરાદ હાઇવે રોડ પર મોડી રાતે  ટ્રેકટર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક  જ પરિવારના ચાર સહિત પાંચ વ્યકિતના મોત  થયા હતા. જયારે બે મહિલા સહિત ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તો પૈકી બે મહિલાઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી  આરંભી હતી.

લાખણી તાલુકાના ભાકડીયાળી  ગામમાં રહેતા ભમરાજી ઠાકોરના પત્ની ગંગાબેનના પિયરમાં સબંધીને મળવા માટે કાર લઈને પરિવાર સાથે ગયા હતા.ત્યાંથી તેઓ રાત્રીના સુમારે પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.ત્યારે માર્ગમાં રાત્રીના સાડા અગીયાર વાગ્યાના સુમારે થરાદથી ધાનેરા હાઈવે વચ્ચેના  પાવડાસણ ગામ નજીક   આગળ જઈ રહેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ એકાએક કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળક અને વૃધ્ધનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જયારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય ૬ વ્યકિતઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમિયાન ટ્રેકટરના ચાલક સહિત બીજા ત્રણના મોત નીપજયાં હતા.જયારે ઈજાગ્રસ્તો પૈકી બે મહિલાઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.કડકડતી ઠંડીમાં હાઈવે ઉપર ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે કારમાં સવાર ઈજાગ્રસ્તોએ બુમાબુમ કરી મુકતાં નજીકમાં આવેલી હોટલમાંથી ઈશ્વરભાઈ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને  કારમાંથી બહાર કાઢીને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ધાનેરાની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા.આ અકસ્માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત ચાર વ્યકિત  તેમજ ટ્રેકટર ચાલકનું મોત થતાં પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાયો હતો.મૃતદેહોનું ધાનેરા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:51 pm IST)