ગુજરાત
News of Monday, 17th January 2022

નર્મદા જિલ્લામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટેના કોરોના વેક્સીનના પ્રિકોશન-ત્રીજો ડોઝનો લાભ લેતા અધિકારી/કર્મચારીઓ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને કોમોર્બિડિટીઝ-અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝની થઇ રહેલી કામગીરીને અનુલક્ષીને નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા આજે આવા ફ્રન્ટલાઇન વર્કર્સ માટે જિલ્લા કલેકટર કચેરી,જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જીતનગર પોલીસ હેડકવાર્ટસ, કેવડીયામાં SRP જવાનો માટે તથા કેવડિયા રેલ્વે સ્ટેશન ખાતે RPFના જવાનો વગેરે સહિતના પ્રિકોશન ડોઝ માટે એલીજેબલ થયેલા અંદાજે ૧૧ હજાર જેટલા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આજે બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી અંદાજે ૧૫૬૦ કર્મચારીઓને રસીના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં હતાં. આમ, ગઇકાલ સુધીમાં ૧૯૦૦ જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સ તેમજ આજની બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીની સ્થિતિની ૧૫૬૦ ની સંખ્યા સાથે કુલ-૩૪૬૦ ને પ્રિકોશનનો ત્રીજો ડોઝ અપાયો છે.

 અધિક જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું પણ વેક્સીનેશન ચાલી રહ્યું છે. ઘણી સ્કૂલોમાં ૯ માં ધોરણની રજા અપાઇ ગઇ છે, તો આવા બાળકોને ખાસ બોલાવીને તેમને પણ વેક્સીનેશન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે દરેક વાલીને પોતાના બાળકનું વેક્સીનેશન કરાવી લેવા તેમણે વિનંતી કરી છે. જેથી કરીને આ બાળકો કોરોના સામે રક્ષણ મેળવી શકે અને તેમનું શિક્ષણ સદતંર ચાલુ રહે તેવા અમારા પ્રયત્નો છે.    
આજની આ ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સહિત અન્ય સ્થળોએ પ્રિકોશન ડોઝ આપવા માટેની આજે કરાયેલી ખાસ વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષક એસ.જે.મોદીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વિભાગના અધિકારી- કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડસ, TRB, JRD જેવા જવાનો કે કોરોના વોરિયર્સ છે તે તમામને બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી આજે ઝુંબેશરૂપે થઇ રહી છે અને તેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે, જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હાલમાં પણ આ કામગીરી થઇ રહી છે અને આ ત્રીજા ડોઝથી તમામને સુરક્ષિત કરાશે, જેથી તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને પોલીસ જવાનો સુરક્ષિત રહેવાની સાથે તેમનો પરિવાર પણ સુરક્ષિત રહે તેવી વ્યવસ્થાનો સંબંધિત સૌ કોઇને લાભ લેવા મોદીએ અનુરોધ કર્યો છે.

(11:05 pm IST)