કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદમાં પોલીસકર્મી માટે કહેર બની:એક જ દિવસમાં 85 જવાનો સંક્રમિત
અત્યાર સુધીમાં 351 પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

અમદાવાદ :કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.એક જ દિવસમાં પોલીસના 85 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.અત્યાર સુધીમાં 351 પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેર અને રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સલાહ આપવામાં આવી છે. જેમાં તેઓને સામાન્ય લક્ષણ જણાય તો તાત્કાલીક RT-PCR ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે. આ માટે AMCના સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકલન સાધીને શહેરના અનેક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં પોલીસ કર્મચારીઓ માટે RT-PCR ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જો કે રાહતની વાત એ છે કે, 2 ACP, 3 PI અને 12થી વધુ PSI સહિત 351 પોલીસકર્મી અને અધિકારીઓ સંક્રમિત છે. જે પૈકી કોઈની હાલત ગંભીર નથી. જે પૈકી માત્ર 2 જણ જ હોસ્પિટલમાં છે. દરેકમાં સામાન્ય લક્ષણો છે અને મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે.
હાલ પોલીસમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કર્મચારીઓને પ્રોકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. શહેરના કૃષ્ણનગર, સોલા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં કોરોનાના વધારે કેસ નોંધાયા છે.