ગુજરાત
News of Wednesday, 17th February 2021

વરસાદ પડે કે ૩૦ મીનીટમાં પાણી બહાર નીકળી જાય તેવી સુવિધા ધરાવતું મોટેરાનું ક્રિકેટ સ્ટેડીયમ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૭: ગુજરાત ક્રિકેટ એસીસીએશન GCA દ્વારા અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. સને ર૦૧૪માં GCA ના પ્રેસિડેન્ટ તરીકે અને મુખ્યમંત્રી તરીકે તેમનો વિચાર હતો કે રપ વર્ષ જુનું મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ, જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય.

ત્યારબાદ GCA ના પ્રમુખ તરીકે તેમના અનુગામી અને હાલમાં ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેકટની ધૂરા સંભાળી અને GCA ના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણી અને BCCI ના સેક્રેટરી એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCA ના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી શ્રી જય શાહે સંપૂર્ણ સહયોગ સાંપડયો હતો. સપ્ટેમ્બર ર૮, ર૦૧૯ના રોજ GCA નું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે શ્રી ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચુંટાઇ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.

૧,૧૦,૦૦૦ બેઠક ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં ૭૬ એર કન્ડિશન્ડ કોર્પોરેટ બોકસ છે. જે દરેકમાં રપની બેઠક ક્ષમતા છે. ૬૩ એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ, લાલ અને કાળી માટીની કુલ ૧૧ પીચ તૈયાર કરવામાં આવી છે.

ખેલાડીઓ માટે કુલ ચાર ડ્રેસિંગ રૂમ છે. ટીમ માટેના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ માટે સૌથી આધુનિક જિમ્નેશિયમ તૈયાર કરવામાં આવ્યું છે. વરસાદ બંધ થયાની ૩૦ જ મિનિટમાં મેદાનમાંથી પાણી વહીને બહાર નીકળી જાય તથા રમત ફરી શરૂ થઇ શકે તેવી ખાસ સબ સોઇલ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.  નવ મીટરની ઉંચાઇનું ૩૬૦ ડિગ્રી પોડિયમ કોનકોર્સ પ્રેક્ષકોની અવર જવરને ખૂબ જ સરળ બનાવે છે. ઉપરાંત પહેલીવારની ફિલ્ડ ઓફ પ્લે  LED લાઇટ્સ, હજારો કાર અને ટુ વ્હિલર માટે પર્યાપ્ત પાર્કિંગ, સવિશેષ ભવ્ય હોલ ઓફ ફેમ દરેક સ્ટેન્ડમાં ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી એરિયા ધરાવે છે.

(3:43 pm IST)