ગુજરાત
News of Wednesday, 17th February 2021

ભાજપની લીલીછમ ખેતી કોંગ્રેસના કેટલાંક ગદ્દાર લોકોની દેન : હાઈ કમાન્ડ બધું જાણે છે

હાર્દિક પટેલનું પોતાનાજ પક્ષના નેતાઓ અંગે મતદાન પહેલા ખળભળાટ મચાવતું મોટું નિવેદન : ગદારોનું લિસ્ટ તૈયાર હોવાનો પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનો દાવો

રાજકોટ, તા. ૧૭ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પોતાનું એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથબંધીને લઈને અનેક આરોપો લાગ્યા હતા ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યવાહી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટીના અમુક નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે કોંગ્રેસમાં વિરુદ્ધમાં કામ કરનારાઓનું લીસ્ટ તૈયાર હોવાનો દાવો પણ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું હતું કે પાર્ટીને બદનામ કરનારા ઘણા લોકો પાર્ટીમાં છે અને ભાજપની ખેતીને લીલીછમ રાખવાનું કામ કોંગ્રેસના જ કેટલાક ગદ્દાર નેતાઓ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસમાં ગદ્દારો કોણ છે તેની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જાણ છે અને પાર્ટી હાઇકમાન્ડ બધુ જ જાણે છે.

હાર્દિક પટેલે કહ્યું કે પાર્ટીની વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તેમની સામે પગલા લેવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્તર પર પાર્ટીના નેતાઓ ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે આપણે લડવું હોય તો જનતાની સેવા કરવી જ પડશે. તેમણે કહ્યું કે સત્તા આવે કે ન આવે જનતા સેવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે.

(3:43 pm IST)