ગુજરાત
News of Wednesday, 17th February 2021

વડોદરાની સરકારી હોસ્પીટલના ડોકટરોની ઉપલબ્ધિ

અવિકસીત ફેફસાવાળી બાળકીનો સફળ ઉપચાર કરીને આપી નવી જીંદગી

વડોદરા તા. ૧૭: સમય પહેલા જન્મ લેનાર નવજાત બાળકોમાં કોઇને કોઇ શારિરિક ખામી હોવી સ્વાભાવિક છે. તેમ છતાં વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પીટલના બાળકોના વિભાગની ડોકટરોની ટીમે એક આવા બાળકનું જીવન બચાવ્યું છે.

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ૩૪ અઠવાડીયાની ગર્ભાવસ્થામાં જન્મેલ એક નવજાત બાળકીના ફેફસાનો પુરો વિકાસ નહોતો થયો. આના કારણે ૧પપ૦ ગ્રામ વજનની આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. એમ.પી.ના આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકીને વડોદરાની સયાજી હોસ્પીટલમાં મોકલાઇ હતી. સયાજી હોસ્પીટલના બાળરોગ વિભાગના ડોકટરોની ટીમે બાળકીને સિપેપ વેન્ટીલેટર પર રાખીને તેનું જીવન બચાવ્યું હતું.

અન્ય એક કેસમાં શરીરની બહાર વિકસીત આંતરડાવાળા એક બાળકને અઘરા ઓપરેશન પછી બહાર વિકસીત આંતરડાને શરીરની અંદર મૂળ સ્થાને ગોઠવીને બાળકની હાલત સુધારાઇ હતી. અન્ય એક કેસમાં એક બાળકને ભરૂચના નેત્રંગથી વડોદરા લવાયો હતો. તેના શરીરમાં અન્નનળી અને શ્વાસ નળી જોડાયેલી હતી. બાળકનું કુશળતાપુર્વક ઓપરેશન કરીને બન્ને નળીઓને જટીલ સર્જરી દ્વારા અલગ કરીને પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી.

હોસ્પીટલના બાળરોગ વિભાગના ડોકટર શીલા ઐય્યર કહે છે કે આવા અધુરા મહિને, સમય પહેલા જન્મેલા બાળકોની શારિરિક તેમજ અવ્યવસંબંધી તકલીફો ડોકટરી જ્ઞાનની કસોટી કરનારી હોય છે. તેમ છતાં અહીંના સમર્પિત બાળરોગ નિષ્ણાંતો અને નર્સીંગ સ્ટાફ દ્વારા પોતાના જ્ઞાન અને કુશળતાથી આવા બાળકોને નવજીવન આપવામાં કયારેય આનાકાની નથી કરાવમાં આવી. બાળ સર્જરીના નિષ્ણાંત ડોકટરો, એનેસ્થેસીસ્ટ અને સયાજી હોસ્પીટલની સર્જીકલ ટીમનું નવજાત બાળકોની નાજૂક અને જટીલ સર્જરી કરવામાં સમર્પિત યોગદાન છે. બાળકોના ઉપચારમાં કેટલીય અન્ય મેડીકલ શાખાઓનો સહયોગથી જ સમન્વિત કાર્ય કરવું પડતું હોય છે.

(3:58 pm IST)