ગુજરાત
News of Wednesday, 17th February 2021

સુરતમાં 15 દિવસ પહેલા જ સગાઇ કરનાર દિવ્‍યાંગ ફિયાન્‍સ અને ફિયાન્‍સીના મૃતદેહ બાથરૂમમાંથી મળ્‍યાઃ બંનેના પરિવારમાં માતમ

સુરત: સુરતમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. એક મૂકબધિર અને ભવિષ્યમાં એકબીજાના થનારા ફિયાન્સ અને ફિયાન્સી બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. 15 દિવસ પહેલા જ બંનેની સગાઈ હતી. ત્યારે રહસ્યમયી રીતે ઘરના બાથરૂમમાંથી તેમના મૃતદેહો મળી આવ્યા છે. ચોંકાવનારા બનાવમાં અઠવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે, કે આખરે કેવી રીતે બંને મોતને ભેટ્યાં.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજમાં જયેશ ટેલરનો પરિવાર રહે છે. જયેશ ટેલર વ્યવસાયે દરજીકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. જેમાં દીકરી ધ્રુતી મૂકબધિર હતી. ધ્રતી ઘરમાં સાડી ભરવાનું કામ કરીને પરિવારને મદદ કરતી હતી. ધ્રુતીની સગાઈ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અર્પિત પટેલ સાથે 15 દિવસ પહેલા થઈ હતી. અર્પિત પણ મૂકબધિર હતો. સગાઈ બાદ ધ્રુતી બહુ જ ખુશ રહેતી હતી. ધ્રુતી અને અર્પિત એકબીજા સાથે મોબાઈલ ચેટીંગના માધ્યમથી તથા સાઈન લેંગ્વેજથી વાત કરતા હતા.

છેલ્લાં પાંચ દિવસથી ધ્રુતિ પોતાના સાસરે રહેવા આવી હતી. ત્યારે ગઈકાલે સાંજે અચાનક ધ્રુતી અને અર્પિતનો મૃતદેહ સાસરીના ઘરના બાથરૂમમાં મળી આવ્યો હતો. અર્પિતની બહેન ઘરે આવતા તેણે બંનેની શોધખોળ કરી હતી, ત્યારે બંને મૃત મળી આવ્યા હતા. ત્યારે આ મામલે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા. જેના બાદ તબીબે બંનેને મૃતદેહ જાહેર કર્યા હતા.

આ ઘટના બાદ બંનેના પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. એપ્રિલ મહિનામાં ધ્રુતી અને અર્પિતના લગ્ન લેવાના હતા. અર્પિતના પિતા આર્યુવેદિક દવાખાનુ ચલાવે છે. જ્યાં થોડા દિવસોમાં લગ્નની શરણાઈ વાગવાની હતી, ત્યાં હવે બંને પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા તેનો પાણીનો નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો તેવી માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવી છે. તો બીજી તરફ, ગેસ લીકેજ થવાથી ગૂંગળામણમાં પણ મોત થયુ હોવાનું કહેવાય છે. જોકે, અઠવા પોલીસે બંનેના મોત માટે તપાસનો દોર શરૂ કર્યો છે.

(5:12 pm IST)