ગુજરાત
News of Wednesday, 17th February 2021

યુવક બાળકના માતા અને પિતા બંને બનવા માંગતો હોવાથી સ્‍પર્મ સુરક્ષિત કરાયુઃ બાળકના જન્‍મ બાદ દત્તક લેશે અને માતાની જેમ ઉછેરશે

આણંદ: સામાન્ય રીતે પિતા બનવા માટે અમુક સંજોગોમાં લોકો પોતાના સ્પર્મ ફ્રીઝ કરાવે છે. જેથી સમય આવે ત્યારે તેઓ પિતા બની શકે. જો કે અહીં એક એવા યુવા તબીબ ડૉ જેસનૂર દાયરાએ પોતાના સીમેન એટલા માટે ફ્રીઝ કરાવ્યા, જેથી તે ખુદ માતા બની શકે. વ્યવસાયે ડૉક્ટર એવા 24 વર્ષીય યુવક ઑપરેશન કરાવીને પુરુષથી મહિલા બનવા જઈ રહ્યો છે. માતા બનવા માટે સરોગેટની જરૂરત પડશે. દેશમાં કદાચ આવો પ્રથમ કેસ હશે.

જણાવી દઈએ કે, મૂળ ગોધરાના રહેવાસી જેસનૂર જન્મ બાદ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ-તેમ તેની આદતો બદલાવા લાગી. જ્યારે આ કિશોર 8માં ધોરણમાં પહોંચ્યો, ત્યારે તે છોકરીઓના કપડા પહેરવા લાગ્યો હતો. આ સિવાય છોકરીઓની જેમ શણગાર કરવા લાગ્યો હતો. જો કે તેના પરિવારજનો ઈચ્છતા હતા કે, તે છોકરા તરીકે જ જીવે. ધીમે-ધીમે સમય પસાર થતો ગયો અને આ છોકરો MBBS કરવા માટે રશિયા જતો રહ્યો. જ્યાં અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો, ત્યારે તેના હાવભાવ યુવતીઓ જેવા થઈ ગયા હતા. હવે જેસનૂર મહિલા બનીને માતા બનવાનું સુખ ભોગવવા માંગે છે. આ માટે આગામી દિવસોમાં તે ઓપરેશન કરાવીને પુરુષમાંથી મહિલા બની જશે.

આણંદમાં સ્પર્મ ડૉનેટ

દેશના જાણીતા IVF નિષ્ણાંત ડૉક્ટર નયનાબેન પટેલે જણાવ્યું કે, થોડા દિવસો પહેલા આ યુવક મારી હોસ્પિટલમાં આવ્યો હતો. તેની ઈચ્છા મુજબ યુવકનું સ્પર્મ લેવામાં આવ્યુ અને તેને સુરક્ષિત ફ્રીઝ કરી લેવામાં આવ્યું છે. આ યુવક બાળકના માતા અને પિતા બન્ને બનવા માંગે છે. જે અંતર્ગત આ સ્પર્મને ડોનર એગ સાથે મિલાવીને સરોગેટ માતાના ગર્ભમાં મૂકવામાં આવશે અને બાળકને જન્મ આપવામાં આવશે. બાળકના જન્મ બાદ જેસનૂર તેને દત્તક લેશે અને એક બાળકને માતાની જેમ ઉછેરશે.

યુવકની ઈચ્છા છે કે, જેમ બને તેમ જલ્દી ટેસ્ટ ટ્યૂબ નીકાળવાનો ઑપરેશન કરવામાં આવે. જેથી પુરુષ હોર્મોન ના બને. તેના અંગોને નીકાળીને પ્લાસ્ટિક સર્જરી થકી યોનિનો આકાર આપવામાં આવશે. આ રીતે એક તબીબ માતા અને પિતા બન્ને બની શકશે.

(5:16 pm IST)